યુપીએસસીની તા.7મીને રવિવારે ઇપીએફઓ પર્સનલ આસિસ્ટન્ટ અને ઇએસઆઇસી માટે નર્સિંગ ઓફિસરની જગ્યા માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવનાર છે ત્યારે આ પરીક્ષાના દિવસે અષાઢી બીજ હોય અને તે દિવસે રાજકોટ શહેરમાં બે શોભાયાત્રા નીકળતી હોવાથી ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો પર એક કલાક વહેલા પહોંચે તે રીતે નીકળવા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી ચેતન ગાંધીએ અનુરોધ કર્યો છે.
યુપીએસસીની પરીક્ષા રાજકોટ શહેરમાં 13 જેટલા કેન્દ્રમાં લેવામાં આવનાર છે. જેમાં કુલ 3588 ઉમેદવાર નોંધાયા છે. રાજકોટ શહેરના પરીક્ષા કેન્દ્રોમાં સદગુરુ મહિલા હોમ સાયન્સ કોલેજ, આઇપી મિશન ગર્લ્સ હાઇસ્કૂલ, જે.જે.કુંડલિયા કોમર્સ કોલેજ, એચ.બી. જસાણી કોલેજ, વીરબાઇમા મહિલા કોલેજ, કણસાગરા મહિલા કોલેજ, સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ, કે.એ.પાંધી કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કન્વેન્શન બિલ્ડિંગ-1 અને 2નો સમાવેશ થાય છે. આ પરીક્ષા પર મોનિટરિંગ માટે 3 પ્રાંત અધિકારીની નિયુક્તિ કરી છે.