ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામ ખાતે આવેલી પોસ્ટ ઓફિસમાં છેલ્લા ચારેક મહિનાથી આધાર કાર્ડની કામગીરી ખોરંભાઈ હોવાનું સામે આવ્યું છે જેમાં આ આધાર કાર્ડની કામગીરી અંગે નાગરિકોને હેરાનગતિ પડી રહી બાબતો સામે આવી રહી છે.
આધાર કાર્ડમાં હાલ બાળકોના આધારકાર્ડ તેમજ મોટા વ્યક્તિના આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લીંક કરવો, સરનામા સુધારવા, નામ સુધારવા અને ફોટો તેમજ આધાર કાર્ડની અન્ય અપડેટની કામગીરી ચાલી રહી છે ત્યારે ભાયાવદરમાં આધાર કાર્ડની કામગીરી યોગ્ય ન થતી હોવાની જાણ થતા ભાયાવદરના ભાજપના આગેવાનો દ્વારા પોસ્ટ ઓફિસની કચેરી ખાતે હોબાળો મચાવ્યો હોવાનું સામે આવ્યું છે અને સાથે જ જો યોગ્ય કામગીરી કે કાર્યવાહી નહીં થાય તો અગામી દિવસોની અંદર કાર્યવાહી નહીં થાય તો ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી ભાયાવદર ભાજપના આગેવાન ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવી છે.
આ પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડની કામગીરીમાં થઈ રહેલી સમસ્યાને લઈને ભાયાવદરના સબ પોસ્ટ માસ્તર કિરણકુમાર દેથડિયાનો સંપર્ક કરતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભાયાવદરની પોસ્ટ ઓફિસ પાસે કીટની સંપૂર્ણ વ્યવસ્થા છે પરંતુ આધાર કાર્ડની કામગીરી માટે ઓથોરાઈઝ કરેલા વ્યક્તિની નિમણૂક નથી કારણ કે આ કીટ ચલાવવા માટે ઓપરેટર જે પોસ્ટ ઓફિસનો કર્મચારી હોય તેમને ટ્રેનિંગ આપવામાં આવે છે અને તેમની પરીક્ષા લેવામાં આવે છે પરંતુ ભાયાવદરની પોસ્ટ ઓફિસ ખાતેના કર્મચારીઓએ આપેલી પરીક્ષામાં તેઓ ફેલ થયા હતા જેના કારણે ભાયાવદરની પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડની કીટને ઓપરેટ કરી શકે તેવો કોઈ ઓથોરાઈઝ ઓપરેટર છે નહીં જેના કારણે છેલ્લા ચારેક મહિનાથી આધાર કાર્ડની કામગીરીમાં લોકોને તકલીફ પડી રહી છે. આ બાબતે તેમને વધુમાં જણાવ્યું છે કે આધાર કાર્ડની કીટ ચલાવવા માટે ઓથોરાઈઝ પર્સન હોય અને તેમની નિમણૂક સરકારમાંથી થતી હોય છે જેમાં ટ્રેનિંગ તેમજ પરીક્ષાની પ્રક્રિયા સરકાર તરફથી કરવામાં આવતી હોય છે ત્યારે આ મામલે ડિવિઝન ઓફિસમાંથી લેવાતા નિર્ણય અને સોંપવામાં આવતી કામગીરી મુજબ કામ થતા હોય છે.