ઉપલેટા નજીકના પ્લાસ્ટિકના કારખાનાઓમાં કોલેરાના કારણે 5-5 માસૂમ બાળકોનાં મૃત્યુ નીપજ્યાની હૃદયદ્રાવક ઘટનામાં જિલ્લા કલેક્ટરે નિમેલી ઉચ્ચ અધિકારીઓની ટીમે ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી અધિકારી અને આરોગ્ય વિભાગના જવાબદારોને સાંગોપાંગ બચાવી લઇ ક્લીનચિટ આપી દીધી છે અને બધો દોષનો ટોપલો કારખાનેદારો પર ઢોળી દઇ આઠ કારખાનાઓ સામે કોર્ટ કેસ કરાયા છે.રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્રના સૂત્રોએ જણાવ્યા અનુસાર ઉપલેટાની ઘટનામાં કારખાનાઓના પાણીના સેમ્પલ ફેલ જતા તેના કારણે આ ઘટના બન્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. જે
ના પગલે હીરામોતી પોલીમર્સ, સંસ્કાર પોલીમર્સ, ઘનશ્યામ પોલીમર્સ, આશ્રય પોલીમર્સ, અર્ચન પોલીમર્સ, ખોડિયાર કૃપા પોલીમર્સ, રવિરાજ પોલીમર્સ, અક્ષર પોલીમર્સ સામે કારખાનાધારા 1948ની કલમ-11,19 તથા ગુજરાત કારખાના નિયમો 1963ના નિયમ-3(એ), 4(1), 110(1), 3(સી), 36(બી), 37ના કાયદાના ભંગ બદલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.જ્યારે આ પ્રકરણમાં ઉચ્ચ અધિકારીઓની એક ટીમ રચવામાં આવી હતી.
આ ટીમે ઘટનાની મોડી જાણ થવા સહિતના મુદ્દે તપાસ હાથ ધરી હતી અને કોની જવાબદારી તે નક્કી કરવાની ટીમમાં જ અમુક જવાબદારો હોવાથી તેમને બચાવી લેવા અંતે દોષનો ટોપલો કારખાનેદારો ઉપર ઢોળી દેવાયાની ચર્ચા છે. ઉચ્ચ અધિકારીઓની ટીમે તપાસ કર્યા બાદ આ પ્રકરણમાં આરોગ્ય વિભાગ દ્વારા સ્થાનિક આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓને શો-કોઝ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ આ નોટિસ માત્ર દેખાડા પૂરતી હોય તેમ તમામને ક્લીનચિટ આપી દેવામાં આવી હતી.