ગુજરાત સરકારની 108 એમ્બ્યુલન્સ સેવાની ઓળખ માત્ર ઇમરજન્સી સારવાર પૂરતી સીમિત ન રહેતાં પ્રમાણિકતા માટે પણ નેત્રદિપક સાબિત થઇ રહી છે. જેના અનેક ઉદાહરણ દિન-પ્રતિદિન જોવા મળી રહ્યા છે. ત્યારે તાજેતરમાં વધુ એક દાખલો ઉપલેટા 108 એમ્બ્યુલન્સ સેવાની કર્તવ્યનિષ્ઠ ટીમે પૂરો પાડ્યો છે. જેમાં ઉપલેટા બાયપાસ નજીક સર્જાયેલા વાહન અકસ્માતમાં 45 વર્ષના છકડો રીક્ષાચાલક આસીફભાઇ અબ્બાભાઈ કુરેશી ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. તેમને હોસ્પિટલમાં ખસેડતી વખતે દર્દીની ઓળખ માટે તપાસ કરતાં તેની પાસેથી રોકડ રૂ. 29,560 અને અમુક જરૂરી ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા, જે દર્દીના પરિવારજનોનો સંપર્ક કરીને પરત કરવામાં આવ્યાં હતાં. જેને લઈને આ દર્દીના પરિવારે 108ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.