રાજકોટમાં હવામાન વિભાગની આગાહી મુજબ 4 દિવસથી વરસાદી ઝાપટા વરસી રહ્યા છે ત્યારે આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ વાદળછાયા વાતાવરણ બાદ શહેરના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદનું આગમન થયું હતું, જેમાં શહેરનાં કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, મવડી, નાનામૌવા અને રેસકોર્સ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. જેને પગલે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડતાં જગતનો તાત ચિંતામાં મુકાયો છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં અલગ-અલગ વિસ્તારમાં કમોસમી વરસાદ (માવઠા)ની આગાહી આપવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટમાં આજે પણ સવારે ભારે ગરમી બાદ બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ભારે પવનની સાથે ધીમીધારે વરસાદ વરસ્યો હતું. જેને કારણે શહેરના રેસકોર્સ રિંગરોડ, કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, નાનામૌવા તેમજ મવડી આસપાસના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. અચાનક પડેલા આ વરસાદને કારણે દિવસનો સમય હોવા છતાં વાહનની લાઈટો ચાલુ રાખવાની ફરજ પડી હતી.
ઉલ્લેખનીય છે કે, ચા લુવર્ષે સમગ્ર ગુજરાતમાં રાજકોટ શહેરમાં સૌથી વધુ ગરમી પડી છે. જેમાં તાપમાનનો પારો એક તબક્કે 46 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. એપ્રિલનાં મોટાભાગના દિવસોમાં રાજકોટનું તાપમાન 45 ડિગ્રીથી વધારે રહ્યું છે. જોકે, છેલ્લા ચારેક દિવસથી કમોસમી વરસાદનાં ઝાપટા વરસતા ગરમીનો પારો નીચે આવ્યો છે. બપોર બાદ અચાનક સમગ્ર વાતાવરણ બદલાવા લાગ્યું હતું તેમજ થોડીવાર બાદ પવન સાથે ધીમીધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક ફરી વળી હતી.