જેતપુર નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ, શાસકોએ સત્તા સંભાળી લીધી. જુદાજુદા પક્ષના ઉમેદવારોએ પ્રજાને પ્રજાને સ્વચ્છ પાણી, સફાઈ, લાઈટ, પાકા રોડનો વાયદો કર્યો હતો તે હવે ચૂંટાઈને નગરપાલિકાના સભ્યો બની ગયાં. પરંતુ શહેરના કોળી લાઈનથી વડલી ચોક સુધીની વર્ષો જૂની સમસ્યા ભૂગર્ભ ગટરના પાણી રોડ પર વહેવાની હજુ યથાવત જ છે. આ રસ્તો તાલુકાના પંદર જેટલા ગ્રામ્ય વિસ્તારનો પણ શહેરમાં અવરજવરનો મુખ્ય રસ્તો છે. આ મુખ્ય રોડ છે જે શહેરના ત્રણ વોર્ડની સીમા વિસ્તારમાંથી પસાર થાય છે. એટલે એક વોર્ડની નહિ પરંતુ ત્રણ વોર્ડના સભ્યોની ફરજમાં આવે છે પરંતુ આ સમસ્યા ઉકેલમાં કોઈ સભ્યને રસ ન હોય તેવું લાગી રહ્યું છે. અગાઉ પણ અનેકવાર આ મુદે લોકોએ સંબંધિતોને રજૂઆત કરી છે. પરંતુ એ વખતે પાલિકાની ચૂંટણી ગાજી રહી હોઇ, કોણ શાસક બને છે તેની ઉમેદવારો રાહ જોઇ રહ્યા હતા પરંતુ હવે તો સત્તાનો લાડવો હાથમાં આવી ગયો છે. અને તેમ છતાં આ કિસ્સામાં આ સમસ્યા ઉકેલવામાં કોઇને રસ ન હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
ત્રણ ત્રણ વોર્ડના પ્રજાજનો ઉપરાંત કાયમી આ મુખ્ય રસ્તા પરથી અવરજવર કરતા લોકોને પણ ગટરના ગંદા પાણી પરથી જ પસાર થવું પડે છે. ભૂગર્ભ ગટરના ગંદા પાણી રોડ પર વહેવાની વર્ષો જૂની સમસ્યામાંથી નગરપાલિકા મુક્તિ અપાવે. – અશોકભાઈ કોળી, ભાસ્કરના વાચક. તમે પણ જનહિતની કોઇ સમસ્યા કે મુદ્દા ઉપર કંઇ કહેવા માગતા હો તો તેના લગતી વિગતો અને ફોટો-વિડીયો તમારા નામ અને સરનામા સાથે અમને 9898848584 નંબર પર વોટ્સએપ કરો.