રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 532 પાર્ટટાઇમ સફાઈ કામદારોની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે ત્યારે ફરી એકવાર રાજકોટ કામદાર યુનિયને ભરતીના નિયમો ગેરબંધારણીય હોવાનો આરોપ લગાવીને તેને રદ કરવાની માંગણી કરી છે. આજરોજ ‘જય ભીમ’નાં નારા સાથે મોટી સંખ્યામાં સફાઈ કામદારો મનપા કચેરીએ પહોંચ્યા હતા અને સફાઈ કામદારોની ભરતીમાં ગેરબંધારણીય નિયમો હોવાથી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોનાં હક્કનું હનન થતું હોવાનો આરોપ લગાવ્યો હતો તેમજ તાત્કાલિક આ નિયમો રદ્દ કરવાની માંગ કરી હતી.
RMC દ્વારા કાયમી કામદારોની ભરતી માટેના નિયમોનું ઉલ્લંઘન થાય છે- કામદાર યુનિયનનાં પ્રમુખ કામદાર યુનિયનનાં પ્રમુખ પારસ બેડીયાએ જણાવ્યું હતું કે, મનપા દ્વારા હાલ 532 કામદારોની જગ્યા ભરવા માટે નક્કી થયેલા નિયમો અને શરતો ગેરબંધારણીય તથા અન્યાયી છે. દરેક સરકારી નોકરીમાં લોકોને સમાન અવસર મળવો જોઈએ છતાં RMC દ્વારા કાયમી કામદારોની ભરતી માટેના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. યુનિયનનો મુખ્ય વાંધો એ નિયમ સામે છે કે, માતા-પિતા અથવા દાદા-દાદી ભૂતકાળમાં નોકરી કરી ચૂક્યા હોય એ જ લોકો ફોર્મ ભરી શકે છે. આ નિયમ ભારતીય બંધારણના મૂળભૂત અધિકારોનું હનન છે.