નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ જૂન સત્ર માટેની પરીક્ષાની જાહેરાત કરી દીધી છે. યુનિવર્સિટી અને કોલેજોમાં પ્રોફેસર બનવા માગતાં ઉમેદવારો 07 મે સુધી NTA UGC NETની વેબસાઇટ https://ugcnet.nta.ac.in/ પર ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કર્યા બાદ ફી ભરવાની છેલ્લી તારીખ 08 મે છે. આ પછી, 9થી 10 મે દરમિયાન ફોર્મ સુધારણા કરી શકાય છે. આ પછી, UGC NET પરીક્ષા 21 જૂનથી 30 જૂન 2025 દરમિયાન યોજવાનું આયોજન કરાયું છે. ઉમેદવારે યુજીસી માન્ય યુનિવર્સિટીમાંથી 55% ગુણ સાથે માસ્ટર ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. OBC-NCL/SC/ST ઉમેદવારો પાસે 50% ગુણ હોવા આવશ્યક છે. એડમિટ કાર્ડ સહિતની વિગતો એનટીએની વેબસાઈટ પર આગામી દિવસોમાં જાહેર કરાશે.
ચાર વર્ષની ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા લોકો પણ UGC NET પરીક્ષા આપી શકે છે. જૂન 2025માં યોજાનારી યુજીસી નેટ પરીક્ષા સીબીટી મોડમાં લેવામાં આવશે. આ પરીક્ષા 85 વિષયો માટે લેવામાં આવશે. પરીક્ષા માટે અરજી કરતી વખતે કોઈ મુશ્કેલી પડે તો, ઉમેદવારો એજન્સીના હેલ્પલાઈન નંબરો – 011-40759000 અને 011-69227700 પર સંપર્ક કરી શકે છે અથવા ugcnet@nta.ac.in પર ઇ-મેલ કરી શકે છે. દેશની યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પીએચ.ડી અભ્યાસક્રમોમાં પ્રવેશ પણ યુજીસી નેટ પરીક્ષાના સ્કોર પર આધારિત હશે. યુનિવર્સિટીઓને ફક્ત NET સ્કોરના આધારે પીએચ.ડીમાં પ્રવેશ આપવાની તક મળશે.