યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)એ 2024-25 માટે ફી રિફંડ પોલિસી જાહેર કરી છે. હવે તમામ યુનિવર્સિટીઓ કે કોલેજે 30 સપ્ટેમ્બર સુધીમાં જે વિદ્યાર્થી પ્રવેશ રદ કરાવે તો તેની સંપૂર્ણ ફી પરત કરવાની રહેશે. યુજીસીએ સત્તાવાર જાહેર કરેલા નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, તમામ યુનિવર્સિટીઓએ 30 સપ્ટેમ્બર સુધીમાં એડમિશન રદ કરનારા વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફી પરત કરવાની રહેશે. તેમજ જો કોઈ વિદ્યાર્થી 31 ઓક્ટોબર સુધી પ્રવેશ રદ કરાવે તો સંસ્થા પ્રોસેસિંગ ફીના નામે માત્ર 1000 રૂપિયા જ કાપી શકે છે.
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ શૈક્ષણિક સત્ર 2024-25 માટે ફી રિફંડ પોલિસી જાહેર કરી છે. નિયમોનું ઉલ્લંઘન કરતી સંસ્થાઓ પર દંડ લાદવાથી લઈને માન્યતા રદ કરવા સુધીની જોગવાઈ છે.UGCના સચિવ પ્રો.મનીષ આર.જોશી દ્વારા જાહેર કરેલા પત્રમાં જણાવાયું છે કે, કમિશનને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા દ્વારા પ્રવેશ રદ કરવા અથવા પાછા ખેંચવાના કિસ્સામાં વિદ્યાર્થીઓ પાસેથી ફી પરત ન કરવા અંગે ઘણી રજૂઆતો અને ફરિયાદો મળી હતી.
આ ફી રિફંડ પોલિસી ભારતની તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ (HEIs) પર લાગુ થાય છે, જેમાં સેન્ટ્રલ અને સ્ટેટ યુનિવર્સિટીઓ, ડિમ્ડ યુનિવર્સિટીઓ અને UGC દ્વારા માન્યતા પ્રાપ્ત કોલેજનો સમાવેશ થાય છે. આ નીતિનો હેતુ વિદ્યાર્થીઓને વધુ પારદર્શક અને ન્યાયી ફી રિફંડ સિસ્ટમ પ્રદાન કરવાનો અને તેમને તેમની પસંદગીના કોર્સ પસંદ કરવાની વધુ સ્વતંત્રતા આપવાનો છે.