ગુજરાત ભાજપે 1995 વિધાનસભાની ચૂંટણી સમયે આપેલું વચન હવે 31 વર્ષે પૂરું કર્યું છે. આજે વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે UCC(યુનિફોર્મ સિવિલ કોડ) બિલ રજૂ કર્યું હતું. આ સાથે જ ઉત્તરાખંડ બાદ UCC લાવનારું ગુજરાત દેશનું બીજું રાજ્ય બની ગયું છે. મુખ્યમંત્રીએ બિલ રજૂ કરતા જ સત્તાપક્ષના ધારાસભ્યોએ જયશ્રી રામના નારા લગાવ્યા હતા. તેમજ ભાજપના સભ્યોએ પાટલી થપથપાવી બિલને વધાવ્યું હતું. આ સમગ્ર ચર્ચા દરમિયાન હલાલા પ્રથા, શાહબાનો કેસ, ધર્મેન્દ્રના બીજા લગ્ન તથા શ્રદ્ધા વોલ્કર કેસના પણ ઉલ્લેખ થયા હતા.
આ પહેલાં બેઠકની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થઈ હતી. પ્રશ્નકાળ બાદ કોંગ્રેસના અમિત ચાવડા દ્વારા રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની તંગીનો મુદ્દો ઉઠાવતા ગૃહમાં ભારે હોબાળો મચ્યો હતો. ચાવડાએ આ મુદ્દા પર તાત્કાલિક ચર્ચાની માંગણી કરતા સભ્યો વચ્ચે ઉગ્ર વાદ-વિવાદ થયો હતો.
UCC બિલ પર વિધાનસભામાં 7 કલાક મેરેથોન ચર્ચા ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલને લઈને તીવ્ર અને લાંબી ચર્ચા ચાલી હતી, જેમાં બપોરે 3 વાગ્યાથી શરૂ થયેલી ચર્ચા 7 કલાક સુધી ચાલુ રહી હતી. સભ્યો દ્વારા વિવિધ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. જેના કારણે ગૃહનું કાર્ય સમય મર્યાદાથી વધુ ચાલ્યું હતું. વિધાનસભાના ઇતિહાસમાં વર્ષ 2019માં સૌથી લાંબી બેઠકનો રેકોર્ડ નોંધાયો હતો, જેમાં 17 કલાક 40 મિનિટ સુધી કામગીરી ચાલી હતી અને વહેલી સવારે 3.40 વાગ્યા સુધી કાર્યવાહી ચાલુ રહી હતી. તે દિવસે એક જ દિવસમાં 9 બિલ પસાર કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીએ બિલ રજૂ કરતા જણાવ્યું કે, લઘુમતી સમાજમાં પિતરાઈ સાથેની લગ્ન પરંપરા છે. પરંતુ આ બિલમાં લઘુમતી સમાજને કાયદો લાગું નહીં પડે. સમાનતા ન્યાય અને એકતાના રાષ્ટ્રીય સંકલ્પને મજબૂત બનાવીશું. દેશની આપણી સંસ્કૃતિ કુટુંબ ભાવના શીખવે છે.