સુરતમાં ગઈકાલ બપોર પછીથી અત્યારસુધીમાં 6થી 7 ઈંચ જેટલો અનરાધાર વરસાદ ખાબક્યો છે, આથી ઠેર-ઠેર તારાજીનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. અનેક રસ્તાઓ હજી પાણીમાં ગરકાવ છે, ડુંભાલ વિસ્તારનાં ઘરોમાંથી હજુ વરસાદી પાણી ઓસર્યાં નથી. ઘરોમાં બેથી ત્રણ ફૂટ પાણી ભરાયેલાં છે, આથી લોકોએ જણાવ્યું હતું કે કોઈ મદદે આવ્યું નહિ. જ્યારે સાણિયા હેમાદ ગામમાં 700 ઘર ડૂબી ગયાં છે. લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અલથાણ વિસ્તારમાં એક ટેનામેન્ટની 50 ફૂટ જેટલી લાંબી દીવાલ ધરાશાયી થઈ હતી. આ દૃશ્યો સીસીટીવીમાં કેદ થયાં છે.
ભારે વરસાદને લઈને શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય એવાં દૃશ્યો સામે આવ્યાં હતાં. એવામાં અલથાણ વિસ્તારમાં આવેલા ટેનામેન્ટની દીવાલ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અલથાણ વિસ્તારમાં આવેલા ટેનામેન્ટમાં વરસાદી માહોલ વચ્ચે દીવાલ પડી ગઈ હતી. રાત્રિના સમયે આ ઘટના બની હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. બીજી તરફ આ ઘટનાને લઈને ત્યાં રહીશો પણ એકઠા થઈ ગયા હતા. આ બિલ્ડિંગ બનીને હજુ એક વર્ષ પણ થયું નથી, ત્યાં આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું. બનાવની જાણ પોલીસને થતાં પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી.