સુરતના પાંડેસરા વિસ્તારમાં 12 વર્ષીય કિશોર પર હુમલો થયો હોવાની અજીબ ઘટના સામે આવી છે. 13 વર્ષીય કિશોરે 12 વર્ષના કિશોર પર 10થી વધુ છરીના ઘા ઝીંક્યા હતા. ભણવાની ઉંમરમાં બંને કિશોરો નજીકમાં રહેતી એક કિશોરીના પ્રેમ માટે ઝઘડ્યા હતા. આ પ્રેમપ્રકરણમાં મોડી રાત્રે છરી વડે કિશોર પર હુમલો કર્યો હોવાનુ સામે આવ્યું છે. ઈજાગ્રસ્ત કિશોરને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે, જ્યાં તેની હાલ સારવાર ચાલી રહી છે, પરંતુ તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, પાંડેસરા પોલીસે બનાવ અંગે તપાસ શરૂ કરી હુમલો કરનાર કિશોરની અટક કરી છે.
કિશોર હોસ્પિટલમાં દાખલ
પાંડેસરા વિસ્તારમાં આવેલી તેરેનામ ચોકડી પાસે ગત મોડી રાત્રે બે કિશોર જાહેરમાં ઝઘડ્યા હતા. દરમિયાન એક કિશોરે છરી વડે હુમલો કરી દીધો હતો. 12 વર્ષ કિશોર પર 10થી વધુ છરીના ઘા વાગતાં તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં કિશોરને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલના OTPમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ તેની સારવાર ચાલી રહી છે.
ભોગ બનાનાર કિશોરની માતાએ જણાવ્યું હતું કે મારો દીકરો ઘરેથી કચરો ફેંકવા માટે નીકળ્યો હતો. ત્યાર બાદ તેને છરી મારી દેવામાં આવ્યું હતું. મને જાણ થતાં હું તાત્કાલિક તેની પાસે પહોંચી હતી અને દીકરો લોહીલૂહાણ હાલતમાં બેભાન થઈ ગયો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યા તેના શરીર પર પીઠ, ગળા, છાતી, હાથના ભાગે ઘા મારવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.