બાળકોનો અભ્યાસ ન અટકે તે માટે મોટાવડાની સ્કૂલમાં બે શિક્ષકો મુકાયા

લોધિકાના મોટાવડા ગામે ધો.11 કોમર્સના વિદ્યાર્થીની આપઘાતની ઘટનામાં હાલ આ શાળાના આચાર્ય સહિત ત્રણ શિક્ષકો સામે પોલીસ ફરિયાદ થતા તેઓ હવે શાળામાં ફરજ બજાવતા નથી. મોટાવડાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્ય સહિત કુલ ચાર શિક્ષક ફરજ બજાવતા હતા જેમાંથી ત્રણ હાલ શાળામાં નહીં આવતા હોવાને કારણે ધોરણ 11-12ના આશરે 176 વિદ્યાર્થીને ભણાવવા માટે માત્ર એક જ શિક્ષક રહ્યા છે. જિલ્લા શિક્ષણતંત્રએ બાદમાં આ શાળામાં વધુ બે શિક્ષકની ફાળવણી કરતા હવે કુલ ત્રણ શિક્ષક શાળાના બાળકોને ભણાવશે. એકબાજુ સત્રાંત પરીક્ષા ચાલી રહી છે ત્યારે જ આ પ્રકારનો કિસ્સો બનતા અન્ય બાળકોમાં પણ નકારાત્મક અસર ફેલાઈ છે.

હાલ શાળાઓમાં સત્રાંત પરીક્ષા ચાલી રહી છે જે હજુ આગામી 24 ઓક્ટોબર સુધી ચલાવાની છે. એકબાજુ વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે ત્યારે જ મોટાવડામાં વિદ્યાર્થીની આપઘાતની ઘટના બનતા અન્ય વિદ્યાર્થીઓમાં પણ શોકનો માહોલ છવાયો છે અને આ ઘટના વિદ્યાર્થીઓની પરીક્ષાને પણ માઠી અસર કરે તેવી પણ સંભાવના પ્રવર્તી રહી છે. ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, પોલીસ તપાસ થઈ રહી છે ત્યારે શિક્ષણ તંત્ર પોલીસની સાથે છે.

મોટાવડા સ્કૂલમાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીના મિત્રના નિવેદન લેવામાં આવ્યા છે. ફોજદારી તપાસમાં શિક્ષકો ગુનેગાર ઠરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ આ શાળામાં શિક્ષણની કામગીરી અટકે નહીં તેના માટે વધુ બે શિક્ષકો મુકાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *