રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને આજે મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે સોપારી લઈને હત્યા તેમજ ATM ચોરી સહિતનાં ગુનામાં ફરાર ધર્મેશ ઉર્ફે દેવેન્દ્ર રાવળદેવ અને સમાધાન ઉર્ફે આનંદસિંગ રાજપૂત બંનેને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડ્યા છે. બનાસકાંઠાના ચકચારી મફાભાઈ પટેલ મર્ડર કેસ તેમજ લીંમડી મર્ડર કેસમાં પણ આ બંને આરોપીઓ ફરાર હતા. ફક્ત એટલું જ નહીં ભરૂચમાં અને મહારાષ્ટ્રમાં થયેલ રૂ. 26 લાખની ATM ચોરીમાં પણ આ બંને આરોપીઓ સંડોવાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદે હથિયાર સાથે બંનેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
10 લાખની સોપારી લઈ હત્યા જેવા ગંભીર ગુનાને અંજામ આપતા હતા પ્રાપ્ત વિગત મુજબ સુરતની અનિલ કાઠી ગેંગના શૂટર રહી ચૂકેલા બે શખ્સો રાજકોટથી ઝડપાયા છે. ધર્મેશ ઉર્ફે દેવેન્દ્ર રાવળદેવ તેમજ સમાધાન ઉર્ફે આનંદસિંગ રાજપૂત નામના આ બંને શખસોને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી ગેરકાયદે હથિયારો મળી આવતા તેને પણ કબ્જે લેવામાં આવ્યા છે. રૂપિયા 10 લાખની સોપારી લઈ હત્યા જેવા ગંભીર ગુનાને અંજામ આપતા આ શખસો રાજકોટમાં છુપાવા માટે આવ્યા હોવાની ચોક્કસ બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. જેના આધારે વોચ ગોઠવી પોલીસે આ બંને શખ્સોને ગેરકાયદે હથિયારો સાથે દબોચી લીધા હતા.
ATM ચોરીના ગુનાઓ પણ આરોપીઓએ આચર્યા હતા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચનાં ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આ આરોપીઓ 10 લાખ રૂપિયાની સોપારી લઈ હત્યાની ઘટનાઓને અંજામ આપતા હતા. લીમડી અને મહેસાણામાં વર્ષ 2023માં થયેલા ચકચારી મફાભાઈ પટેલ હત્યાને આ આરોપીઓ દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ સોપારી લઇ હત્યાની ઘટનાને અંજામ આ આરોપીઓ દ્વારા અપાયો હતો તેમજ એટીએમ ચોરી કરવાના ગુનાઓ આચારવામાં આવ્યા હતા.