યુનિ. પોલીસ સ્ટેશનમાં બે પોલીસમેન દારૂ પી ફરજ બજાવતા’તા!

દારૂબંધીનો કડકાઇથી અમલ કરાવવામાં આવે છે અને બુટલેગરો પોલીસથી ડરે છે તેવા પોલીસ અધિકારીઓના દાવામાં કેટલી સત્યતા છે તે સાબિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના યુનિવર્સિટી પોલીસ મથકમાં ડિસેમ્બર 2024માં બે કોન્સ્ટેબલ શંકાસ્પદ હાલતમાં ફરજ બજાવી રહ્યા હતા અને બંનેએ નશો કર્યો હોય તેવું લાગતાં તેમના બ્લડ સેમ્પલ લેવાયા હતા જે બંનેના રિપોર્ટ પોઝિટિવ આવતાં પોલીસબેડામાં ચકચાર મચી ગઇ હતી, બંને કોન્સ્ટેબલ સામે પ્રોહીબીશનનો ગુનો નોંધવામાં આવ્યો છે.

યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ સી.પી.રાઠોડે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કોન્સ્ટેબલ જયવીર જીતુ ગઢવીનું નામ આપ્યું હતું, તેમજ અન્ય એક ફરિયાદ નોંધાઇ હતી જેમાં આરોપી તરીકે કોન્સ્ટેબલ રાજદીપસિંહ અશોકસિંહ વાઘેલાનું નામ આપવામાં આવ્યું હતું.

પીએસઆઇ રાઠોડે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.5 ડિસેમ્બર 2024ના બપોરે 13.50 વાગ્યે તત્કાલીન પીઆઇ એમ.જી.વસાવાએ બે પોલીસ કર્મચારી રાજદીપસિંહ વાઘેલા અને જયવીર ગઢવીને શંકાસ્પદ હાલતમાં કેફીપીણું પીધેલું હોય તેવી હાલતમાં પકડ્યા હતા અન બંનેને સિવિલ હોસ્પિટલમાં લઇ જઇ બંનેના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. એ જ દિવસે આ અંગે આ અંગેની સ્ટેશન ડાયરીમાં નોંધ પણ કરવામાં આવી હતી.

દરમિયાન ગાંધીનગર એફએસએલથી રિપોર્ટ આવ્યો હતો જેમાં દર્શાવાયું હતું કે, કોન્સ્ટેબલ રાજદીપસિંહ વાઘેલાના બ્લડ સેમ્પલમાં 0.0706 આલ્કોહોલની હાજરી મળી આવી હતી અને કોન્સ્ટેબલ જયવીર ગઢવીના બ્લડમાં 0.0772 આલ્કોહોલની હાજરી મળી હતી. આમ બંને કોન્સ્ટેબલ રાજદિપસિંહ વાઘેલા અને જયવીર ગઢવીએ નશો કર્યાનું સ્પષ્ટ થતાં બંને સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *