શાપર-વેરાવળના આરોગ્ય કેન્દ્રમાં ગત 28મી ડિસેમ્બરે લેબોરેટરીમાં તાપણા માટે આગ લગાડવાની ઘટનાના ગંભીર પડઘા પડ્યા છે શાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બનેલી ઘટનાના સમાચાર સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. જેના સંદર્ભે મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારીએ તા.30 ડિસેમ્બરને સોમવારે કેન્દ્રના સુપરિન્ટેન્ડન્ટ, ફાર્માસિસ્ટ, લેબોરેટરી ટેક્નિશિયન અને બે આયુર્વેદિક ઇન્ટર્નને બોલાવીને ચર્ચા કરતા ધ્યાનમાં આવ્યું કે વીડિયોમાં જે બેદરકારી જોવા મળેલી છે, તે ગંભીર બાબત છે. જેના પગલે બે આયુર્વેદિક ઇન્ટર્નને સ્થળ બદલવા તેમજ આઉટસોર્સિંગ એજન્સીમાંથી કામ કરતાં ફાર્માસિસ્ટ તથા લેબોરેટરી ટેક્નિશિયનને દોષિત ગણીને તેમને છૂટા કરી બે નવા કર્મચારીઓને એજન્સીએ મૂકી દીધા છે.
ઘટના સંદર્ભે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા શાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપરિન્ટેન્ડન્ટ ડો.નિશી શાહને કારણદર્શક નોટિસ આપી ખુલાસો માંગ્યો છે. તેમને ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય તે માટે કડક શબ્દોમાં તાકીદ કરી છે.