રાજકોટમાં 25 મેના રોજ સાંજના 5.30 વાગ્યા આસપાસ TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં 27 લોકોના મૃત્યુ થયા હતા. જેમાં રાજકોટ મનપાના અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવતા પોલીસ દ્વારા મનપાના ચાર અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. જેને લઈ મનપા કમિશનર દ્વારા તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા અને એટીપીઓ મુકેશ મકવાણાને સસ્પેન્ડ કર્યા છે. જ્યારે અન્ય બે આરોપી ગૌતમ જોશી અને રોહિત વિગોરાને એક સપ્તાહ પૂર્વે રાજ્ય સરકારના સીધા આદેશથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સાગઠિયા પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે જ્યારે તેનો પગાર તો 75 હજાર જ છે.
રાજકોટ મનપાની વેસ્ટ ઝોન ટી.પી. શાખા દ્વારા TRP ગેમ ઝોનના સંચાલક યુવરાજસિંહ સોલંકીના નામે નોટિસ પાઠવીને ગેરકાયદે બાંધકામ તોડી પાડવા જણાવાયું હતું. મનપાના ચોપડે પણ આ વાત નોંધાયેલી છે. જો કે, ત્યારબાદ કોઈ કાર્યવાહી થઈ નથી. ટીપીઓ દ્વારા બાંધકામોનું ડિમોલિશન કરવા માટે ફાઈલ છેલ્લે કમિશનરને મોકલવામાં આવે છે અને ત્યારબાદ ડિમોલિશન થાય છે પરંતુ આ ફાઈલ ખરેખર ત્યાં સુધી પહોંચી હતી કે દબાવી દેવામાં આવી હતી તેની પણ તપાસ ચાલી રહી છે.
નોટિસ પાઠવ્યા બાદ ડિમોલિશન ન કરવામાં આવતા 25 મેના રોજ TRP ગેમ ઝોનમાં આગ લાગી હતી અને ગેમઝોન ડેથ ઝોન બની જતા 27 લોકોના મૃત્યુ અધિકારીઓના પાપે થયા હતા. આગ લાગ્યા બાદ સરકારના આદેશથી 7 જેટલા અધિકારીઓને સરકારે સસ્પેન્ડ કર્યા હતા. જે બાદ ગતરાત્રે તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા અને એટીપીઓ મુકેશ મકવાણાને મહાપાલિકાએ પોલીસ કસ્ટડીમાં 48 કલાક સુધી રહેતા સસ્પેન્ડ કરતા આદેશ કર્યા છે.