રાજકોટ માલવીયાનગર અને થોરાળા પોલીસે ગુનાખોરીઓેમાં સંડોવાયેલ બે શખસોને પાસામાં ધકેલી સુરત જેલહવાલે કર્યા છે. માલવીયાનગર પોલીસે મારામારીના 16 ગુનામાં સંડોવાયેલ પ્રિતેશ ઉર્ફે દિકુ અલ્પેશ ગારેચાની સામે પાસા દરખાસ્ત ઈસ્યુ કરતા પોલીસે અટકાયત કરી સુરત જેલહવાલે કરેલ છે. જયારે થોરાળા પોલીસે સાયબર ફ્રોડ સહિતના 13 ગુનાઓમાં સંડોવાયેલા મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ સોલંકી સામે મુકેલી પાસાની દરખાસ્તમાં પાસા વોરંટ ઈસ્યુ થતા વોરંટ આધારે મહાવીરસિંહ સોલંકી બાલ્કીની અટકાયત કરી સુરત જેલ હવાલે કરવામાં આવેલ છે.
અન્ય બનાવમાં ગત તા.14.05.2025ના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી અહેમદ હનિફ ગલેરીયાએ તેની સાથે મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા આરોપી અહેમદ ગેલેરીયાએ ધરપકડથી બચવા માટે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જેમાં સરકાર તરફે સરકારી વકીલ હાજર રહી અને આરોપીની આગોતરા જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરી હતી કે, આરોપી સામે સમાજ વિરોધી ગુનો છે.
આવા ગંભીર ગુનામાં આરોપીને આગોતરા જામીન આપવા જોઈએ નહીં. જો તેમને આગોતરા જામીન આપવામાં આવશે તો તે ફરિયાદી તેમજ સાક્ષીઓને હેમ્પર ટેમ્પર કરશે. પોલીસ તપાસ ચાલુ હોય તેથી આગોતરા જામીન આપવા જોઈએ નહીં. તે રજૂઆતને ધ્યાને લઈ સેશન્સ જજ પી. જે. તમાકુવાલાએ આરોપીની આગોતરા જામીન અરજી રદ કરી છે.