લઘુમતી અગ્રણી ઇલ્યાસખાન અને તેના પુત્રની હત્યામાં બે શખ્સ દોષિત

શહેરના રૈયા રોડ પર સુભાષનગરમાં રહેતા ભાજપના આગેવાન, લઘુમતી અગ્રણી અને હજ કમિટીના નેશનલ મેમ્બર ઇલ્યાસખાન પઠાણ તથા તેના પુત્ર આસિફ પર ઘરમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કરી પિતા-પુત્રની હત્યા કરવાના વર્ષ 2015ના ચકચારી ડબલ મર્ડર કેસમાં અદાલતે બે આરોપી અબ્બાસ અનવર કચરા અને સાજિદ હુશેન કચરાને તકસીરવાન ઠેરવ્યા છે. સજાના હુકમ માટે તા.19 માર્ચ મુકરર કરવામાં આવી છે.

રૈયા રોડ પર આમ્રપાલી ફાટક નજીક સુભાષનગર શેરી નં.9માં રહેતા ઇલ્યાસખાન પઠાણના ઘરમાં 22-08-2015ને શનિવારે રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં ઘૂસી ગયેલા કચરા પરિવારના સભ્યોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો તેમજ છરી,ધોકાથી હુમલો કર્યો હતો. જેમાં ભાજપ અગ્રણી અને હજ કમિટીના નેશનલ સભ્ય ઇલ્યાસખાન પઠાણ તથા તેના પુત્ર અકબર અને આસિફને ગંભીર ઇજા થઇ હતી. મારામારીમાં સામા પક્ષે અબ્બાસ અનવર કચરાને પણ ગંભીર ઇજા થઇ હતી હુમલામાં ઘવાયેલા લઘુમતી આગેવાન ઇલ્યાસખાન અને તેના પુત્ર આસિફે દમ તોડી દેતા બનાવ બેવડી હત્યામાં પલટાયો હતો. પોલીસે સ્થળ પરથી રિવોલ્વોર, પિસ્ટલ, છરી, ધોકો, બાઇક અને ફૂટેલા કારતૂસના ખાલી ખોખા કબજે કર્યા હતા. આ કેસમાં અબ્બાસ અનવર કચરા અને સાજિદ ઉર્ફે મોહસીન હુશેન કચરા સામે પોલીસે ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *