ગોંડલમાં નજીવી બાબતે કડિયા લાઈનમા એસબીઆઈ બેંકની સામે ઉમવાળા ચોકડી પાસે રહેતો મજૂર પરિવાર ઠાકુર ડીટ્યા સીંગડ ઉ.22, કૈલાશ ડીટ્યા સીંગડ ઉ.16,કમલેશ બહાદુર મીનામા ઉ.25 તથા સાગર રામસિંગ ભુરીયા ઉ.16 જઇ રહ્યા હતા. ત્યારે અજાણ્યાં બાઇક ચાલકનું બાઇક અડી જતા મજૂર પરિવારે જોઈને ચલાવવાનું કહેતા બાઇક ચાલકની કમાન છટકી હતી અને ભરબજારે 4 યુવાનને છરી મારી દીધી હતી.
ઘટના બાદ ચારેયને સારવાર અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.એક યુવાનને પડખાના ભાગે, બે યુવાનોને હાથમાં અને એકને કપાળના ભાગે છરી લાગી હતી, જેમાં પડખાના ભાગે ઇજા થનાર સાગર ભુરીયાને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવને પગલે એ ડિવિઝન પોલીસના પીઆઇ આનંદ ડામોર પીએસઆઇ જાડેજા, સર્વેલન્સ સ્ટાફ અને એલસીબી બ્રાન્ચ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે CCTV આધારિત તપાસ કરી શ્રમિક યુવાનો પર હુમલો કરનાર સાંઢીયાપુલ પાસે રહેતા રાહુલ રાજુભાઇ ડોડીયા ઉ.20 તથા વોરકોટડા રોડ આવાસ ક્વાર્ટરમાં રહેતા ઉમંગ રમેશભાઈ ગૌસ્વામી ઉ.24 ને ઝડપી લઇ આગવી સરભરા કરી લુખ્ખાગીરીની ખો ભુલાવી દીધી હતી.નોંધનીય છે કે રાહુલ અગાઉ વાહન ચોરી તથા ઉમંગ મારામારીના મામલામાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચુક્યા છે.