શહેરમાં પારેવડી ચોક પાસે ખોડિયારપરામાં રહેતા વૃદ્ધાના મકાનમાં અગાશી પરથી બે બકરીની ચોરી થયાની જાણ કરતાં બી.ડિવિઝન પોલીસે ચાર શખ્સને ઝડપી લઇ તેની પૂછતાછ કરતા એક બકરી વેચીને મહેફિલ કરી હોવાનું રટણ કરતા પોલીસે એક બકરી અને કાર કબજે કરી વિશેષ કાર્યવાહી કરી છે.
ચોરીના આ બનાવ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ખોડિયારપરામાં રહેતા રંજનબેન હરિભાઇ મકવાણા (ઉ.65) તા.11ના રોજ રાત્રે પોતાના રૂમમાં સૂતા હતા ત્યારે વહેલી સવારે ફળિયામાં અવાજ આવતા તેઓ જાગીને તપાસ કરતા ત્રણ અજાણ્યા શખ્સ તેના મકાનની દીવાલ કૂદી મકાનમાં અગાશી પરથી પાંચ પૈકીની બે બકરી ચોરી ગયા હતા અને તેની ડેલી બહારથી બંધ કરતા ગયા હતા. દરમિયાન દરવાજો ખખડાવતા કોઇએ બહારથી દરવાજો ખોલ્યો હતો. બાદમાં તેની 35 હજારની કિંમતની બે બકરીની ચોરી થયાની ફરિયાદ કરતાં બી.ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.