રાજકોટના કાલાવડ રોડ પર અવધ રોડ પર નિર્માણ સોસાયટીમાં ચોકીદારી કરતા અને આેરડીમાં રહેતા પરિવારની અને ઠેબચડા ગામે ખેતમજૂરી કામ કરતા પરિવારની બે વર્ષની બાળકી રમતાં રમતાં પાણી ભરેલી કુંડીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. બનાવને પગલે બન્ને પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કાલાવડ રોડ પર નિર્માણ સોસાયટીમાં સિક્યુરિટીની રૂમમાં રહેતા અને ચોકીદારી તેમજ સાફસફાઇનું કામ કરતા શેરસીંગ બુઢાની બે વર્ષની પુત્રી પ્રિયાંશી સોસાયટીના ગેટ પાસે રમતાં રમતાં સ્વિમિંગ પૂલ પાસે પાણી ભરેલી કુંડીમાં પડી જતા અચાનક પુત્રી નજરે ન પડતા તેની શોધખોળ કરી હતી. દરમિયાન પાણીની કુંડીમાંથી મળી આવતા તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જેનું સારવાર મળે તે પહેલાં મોત નીપજ્યું હતું. બનાવને પગલે યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ રવૈયા સહિતે તપાસ હાથ ધરી હતી.
જ્યારે બીજા બનાવમાં ઠેબચડા ગામે ભરતભાઇની વાડીમાં ખેતમજૂરી કામ કરતા અને ઓરડીમાં રહેતા જીગલાભાઇ મેળાની બે વર્ષની પુત્રી પ્રિયા અન્ય બાળકો સાથે રમતી હતી તે દરમિયાન રમતાં રમતાં પાણી ભરેલ સિમેન્ટની કુંડીમાં પડી જતા તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જેનું સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. બનાવને પગલે આજી ડેમ પોલીસ મથકના એએસઆઇ કુરિયા સહિતે તપાસ કરતા મૃતક બાળકીના પિતા જીગલાભાઇને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્રમાં પ્રિયા નાની હતી અને મૂળ એમપીના અને કેટલાક વર્ષોથી અહીં ખેતમજૂરી કામ કરતા હોવાનું જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.