કોઠારિયા સોલવન્ટમાં 25 વારિયા ક્વાર્ટરમાં રહેતો સાગર નિરાલાભાઇ ચૌધરી નામનો છ વર્ષનો બાળક તેના ઘર પાસે રમતો હતો ત્યારે બે શ્વાને તેને બચકાં ભરી લેતા બાળકએ રાડારાડી કરતાં પરિવાર અને પાડોશના લોકોએ દોડી આવી બાળકને બચાવી લીધો હતો અને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
બનાવના પગલે જાણ થતાં આજી ડેમ પોલીસે તપાસ કરી હતી. પોલીસની તપાસમાં મૂળ બિહારના વતની પરિવારનો પુત્ર સાગર બે ભાઇ એક બહેનમાં મોટો હોવાનું અને તેના પિતા કારખાનામાં મજૂરી કરે છે.પોલીસની વધુ તપાસમાં બાળક તેના ઘર પાસે રમતો હતો તે દરમિયાન પાડોશીના બે શ્વાન ધસી આવી હુમલો કર્યો હોવાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.
અન્ય બનાવમાં નવાગામમાં રંગીલા ઢોળા પર રહેતા હંસાબેન પ્રહલાદભાઇ ચૌહાણ (ઉ.50) તેના ઘેર હતા ત્યારે તેના પાડોશી વીરા ઉદેશીનો કૂતરો તેના ઘર પાસે હોય જેથી હંસાબેને કહ્યું કે, તમારો કૂતરો તમારા ઘેર રાખો અમને કરડવાની બીક લાગે છે. જેથી પાડોશી વીરાએ અમારો કૂતરો બહાર જ રહેશે તમારાથી થાય તે કરી લેજો કહી ઝઘડો કર્યો હતો અને ઘરમાંથી ધોકો લઇને હુમલો કર્યો હતો. દેકારો થતાં વીરાની માતા મધુ અને પત્ની પૂજાએ પણ ઢીકાપાટુનો માર મારી નાસી ગયા હતા, મહિલાને હોસ્પિટલમાં ખસેડાયા હતા.