રાજકોટ શહેરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ અને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ રાજદીપસિંહને ડિસમિસ કરી દેવામાં આવતા પોલીસબેડામાં સોપો પડી ગયો હતો. ચાર વર્ષ પહેલાં બંને નશાખોર હાલતમાં વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયા હતા અને આ કેસમાં બંનેને કસૂરવાર ઠેરવી નોકરીમાંથી પાણીચું આપી દેવામાં આવ્યું છે.
સાયબર ક્રાઇમ પોલી સ્ટેશનમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ રણજિતસિંહ જાડેજા અને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં રાજદીપસિંહ અશોકસિંહ જાડેજા વર્ષ 2021માં સ્કોર્પિયોમાં રાજકોટ તરફ આવી રહ્યા હતા અને વાંકાનેર પંથકમાં તેમની સ્કોર્પિયો પલટી ખાઇ ગઇ હતી. ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા. સ્કોર્પિયોમાં બેઠેલા બંને કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ અને રાજદીપસિંહ નશાખોર હાલતમાં હતા અને સ્કોર્પિયોમાંથી પણ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કોઇ જાગૃત નાગરિકે જાણ કરતાં સ્થાનિક પોલીસ દોડી ગઇ હતી અને બંને પોલીસમેન સામે નશો કરવા અંગે અને દારૂના કબજાનો ગુનો નોંધાયો હતો.
બંને કોન્સ્ટેબલ રાજકોટ શહેર પોલીસબેડામાં ફરજ બજાવતા હોવાથી ગુનો નોંધાયા અંગેની રાજકોટ પોલીસને તત્કાલીન સમયે જાણ કરવામાં આવી હતી અને બંને પોલીસમેન સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી. ખાતાકીય તપાસમાં બંને કોન્સ્ટેબલ સામેના આરોપ સાબિત થતાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા અને ભક્તિનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રાજદીપસિંહ જાડેજાને ડિસમિસ કરી દેવામાં આવ્યા હતા.