શહેરમાં રામાપીર ચોકડી પાસે ઓમ પેટ્રોલ પંપમાં નોકરી કરતો અને ગીર સોમનાથના પાટણ ગામે રહેતો શુભમ પ્રતીમકુમાર ત્રિવેદી (ઉ.27) રાત્રીના પેટ્રોલ પંપે નોકરી પર હતો. તે દરમિયાન એક્સેસ પર આવેલા બે અજાણ્યા શખ્સ પેટ્રોલ પુરાવવા માટે આવ્યા હતા બાદમાં તેને 210 રૂપિયાનું પેટ્રોલ પૂરવા માટે કહ્યું હતું અને એક્સેસમાં પેટ્રોલનું ઢાંકણું ખોલી તેને હાથમાં રાખ્યું હતું.
બાદમાં પેટ્રોલ પૂરાવ્યા બાદ લોખંડનું ઢાંકણું માથાના ભાગે મારી મને કહેલ તારે પેટ્રોલના રૂપિયા જોઇએ છે. જેથી તે કહી નહીં બોલતા બન્ને શખ્સે ગાળો આપી હતી અને એક શખ્સે આવી કહેલ કે મારું નામ રવિ ટોયટા છે મારી પાસે પૈસા માગવા નહીં નહીંતર તને જાનથી મારી નાખીશ. બન્ને શખ્સ પેટ્રોલ પૂરાવી પૈસા આપ્યા વગર નાસી જતા તેના પંપમાં કામ કરતાં મનોજભાઇને વાત કરતાં તેને 108ને જાણ કરી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના જમાદાર બાળા સહિતના સ્ટાફે શુભમભાઇની ફરિયાદ પરથી બે શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
જ્યારે બીજા બનાવમાં ગોંડલ રોડ પાસેના આંબેડકરનગરમાં રહેતા અને મજૂરીકામ કરતાં દીપકભાઇ રમેશભાઇ દવેરા (ઉ.34) તેના ઘેર હતા ત્યારે તેની પત્ની તેના ઘર પાસે કોર્પોરેશનના ખાલી પ્લોટમાં કચરો નાખવા જતા તેના કાકા દિનેશભાઇ કુંભાભાઇ દવેરાએ ઝઘડો કર્યો હતો. બાદમાં તેના કાકા દિનેશભાઇએ ધોકો લઇને તેના ઘેર પાસે આવી દીપકભાઇની માતા સાથે બોલાચાલી કરતા હોય. તેને સમજાવવા જતા તેની પર ધોકા વડે હુમલો કર્યો હતો. દેકારો થતા તેનો નાનો ભાઇ રાહુલ (ઉ.32) આવીને છોડાવવા જતા કાકા દિનેશભાઇના પુત્ર ચિરાગ અને કેતને લોખંડના પાઇપ સાથે ધસી આવી બન્ને પર હુમલો કરી ત્રણેય નાસી ગયા હતા. બન્ને ભાઇને ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવને પગલે માલવિયાનગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
જ્યારે અન્ય એક બનાવમાં રાજકોટના તરઘડિયા ગામે રહેતો અને મૂળ રાજસ્થાનનો વતની કાળુસીંગ મદનસીંગ (ઉ.40) રાત્રીના તેના ઘેરથી બાઇક લઇને કુવાડવાથી તરઘડિયા ગામે જતો હતો તે દરમિયાન ગુંદા ગામ પાસે બાઇક સ્લિપ થતા ફંગોળાયેલા યુવકને ગંભીર ઇજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે કુવાડવા પોલીસે તપાસ કરતા કાળુસીંગ તરઘડિયા ગામે ખેતમજૂરી કામ કરતો હતો અને કુવાડવા ગામે મોબાઇલ રિચાર્જ કરવા માટે ગયો હતો અને આ બનાવ બન્યાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.