જામનગર જિલ્લા જેલમાં અનિરુદ્ધસિંહ અને ભૂપત સહિત ત્રણ શખ્સ જેલના બે કેદીને મળ્યાની ઘટનામાં પોલીસે જેલમાંથી જે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે તે ફૂટેજે જેલર અને જેલની ગેરકાયદે મુલાકાત કરનાર ત્રિપુટીનો ભાંડો ફોડી નાખ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ તા.31 જાન્યુઆરીના બપોરના 1.10 મિનિટ બાદ એક સફેદ કલરની કાર જેલ પટાંગણમાં આવે છે, જેમાંથી અનિરુદ્ધસિંહ જાડેજા અને ભૂપત ભરવાડ સહિત ત્રણ શખ્સ ઉતરે છે. આ ત્રણેય શખ્સના હાથમાં મોબાઇલ છે, જેલના મુખ્ય ગેટ પાસે પહોંચીને અનિરુદ્ધસિંહ મોબાઇલમાં વાત કરે છે, ત્રણેક મિનિટ બાદ જેલનો એક કર્મચારી જેલમાંથી બહાર આવે છે અને જેલના મુખ્ય ગેટમાંથી અનિરુદ્ધસિંહ અને ભૂપત સહિત ત્રણેયને જેલમાં લઇ જાય છે.
જેલમાં પ્રવેશ સાથે એન્ટ્રી રજિસ્ટર સાથેનો એક કર્મચારી ટેબલ પાસે બેઠો છે, પરંતુ આ ત્રણેય શખ્સ ત્યાં કોઇપણ પ્રકારની નોંધ કરાવ્યા વગર સીધા જ જેલમાં જેલરની ઓફિસમાં પ્રવેશે છે અને તે વખતે પણ ત્રણેય પાસે પોતપોતાના મોબાઇલ છે. ત્યારબાદ બેરેકમાંથી રજાક નામના કેદીને જેલરની ચેમ્બરમાં લઇ જવાય છે અને રજાક સાથે આ અનિરુદ્ધસિંહ સહિતની ત્રિપુટી મુલાકાત કરે છે, તે સમયે જેલર જાડેજા પણ ત્યાં હાજર છે, રજાકને 10 મિનિટ બાદ ઓફિસમાંથી રવાના કરી દેવાય છે ત્યારબાદ બીજો કેદી યશપાલ જાડેજાને ચેમ્બરમાં લઇ આવવામાં આવે છે અને તે લગભગ 35થી 40 મિનિટ સુધી અનિરુદ્ધસિંહ સાથે બેસે છે.
આ બંને કેદી સાથે મુલાકાત કર્યા બાદ અનિરુદ્ધસિંહ સહિતની ત્રિપુટી જેલરની ચેમ્બરમાંથી બહાર નીકળે છે, ફરીથી ગેટ પાસેનું રજિસ્ટરવાળું ટેબલ આવે છે, આ વખતે પણ અહીં કોઇપણ પ્રકારની નોંધ કરવામાં આવતી નથી અને અનિરુદ્ધસિંહ સહિત ત્રણેય ફરીથી સફેદ કલરની કારમાં જેલથી રવાના થઇ જાય છે.