રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ શિલ્પન ઓનિક્સ એપાર્ટમેન્ટમાં રહેતા અને ત્યાં જ ચોકીદારી કરતા નેપાળી પરિવારની બે 3-3 વર્ષની બાળકી રમતાં રમતાં સ્વિમિંગ પૂલમાં પડી ગઈ હતી. જો કે, કોઈ બચાવે તે પહેલાં જ બન્નેનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું. સોસાયટીના સ્વિમિંગ પૂલ ખાતે રાત્રિના 9.30 વાગ્યા બાદ લગભગ એકાદ કલાક સુધી બન્ને બાળકીનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. સ્થાનિકોએ 108 બોલાવી બન્ને બાળકીને બચાવવા કોશિશ કરી હતી. પરંતુ બન્ને બાળકીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
બનાવથી સોસાયટીના લોકો એકઠા થઈ ગયા
બનાવ એવો છે કે, યુનિવર્સિટી રોડ પર આવેલ શિલ્પન ઓનિક્સ સોસાયટીમાં ગઈકાલે રાત્રિના સ્વિમિંગ પૂલમાં બે બાળકીના ડૂબી જવાથી મોત થયા હોવાનું સામે આવ્યું હતું. બનાવની જાણ થતાં સોસાયટીના લોકો એકઠા થઈ બન્ને બાળકીને સ્વિમિંગ પૂલમાંથી બહાર કાઢી 108 મારફત હોસ્પિટલ ખસેડી હતી. પરંતુ બંને બાળકીનાં મોત નીપજ્યા હોવાનું જાણવા મળતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે.
બનાવ અંગેની જાણ સિવિલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને કરી હતી અને પોલીસે આવી મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં બન્ને બાળકીની ઉંમર 3-3 વર્ષ હોવાનું સામે આવ્યું હતું. જેમાં એકનું નામ પ્રકૃતિ ગોકુલ ચાંદ અને બીજી બાળકીનું નામ મેનુકા પ્રકાશ સિંઘ હોવાનું સામે આવ્યું છે. બન્ને બાળકીનાં પરિવારજનો મૂળ નેપાળનાં વતની છે અને અહીંયાં શિલ્પન ઓનિક્સ બિલ્ડિંગમાં રહી તેઓ ચોકીદારનું કામ કરે છે.