ઓટોમોબાઈલ કંપની TVS મોટર્સને નાણાકીય વર્ષ 2025-26ના ત્રીજા ક્વાર્ટરમાં 841 કરોડ રૂપિયાનો નફો થયો છે. વાર્ષિક ધોરણે તેમાં 49%નો વધારો થયો છે. એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરમાં કંપનીને 566 કરોડ રૂપિયાનો નફો થયો હતો.
જ્યારે કંપનીની કમાણીમાં 33%નો વધારો થયો છે. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં TVS મોટર્સે 14,745 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં આ આંકડો 11,099 કરોડ રૂપિયા હતો. પરિણામો પછી TVS મોટર્સનો શેર 5% વધીને 3,735 પર બંધ થયો છે.
TVS એ ટુ-વ્હીલર સેલ્સમાં રેકોર્ડ બનાવ્યો
અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ: TVS એ આ ક્વાર્ટરમાં રેકોર્ડબ્રેક વેચાણ કર્યું છે. કુલ 2-વ્હીલર અને 3-વ્હીલરનું વેચાણ 27% વધીને 15.44 લાખ યુનિટ્સ થયું, જે કંપનીના ઇતિહાસમાં એક ક્વાર્ટરનું સૌથી વધુ વેચાણ છે.
ઇલેક્ટ્રિક વાહનોની માગ વધી: કંપનીના ઇલેક્ટ્રિક વાહનોની માગ ઝડપથી વધી છે. EV ના વેચાણમાં 40% નો વધારો જોવા મળ્યો અને તે 1.06 લાખ યુનિટ્સના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું.
થ્રી-વ્હીલર અને નિકાસમાં તેજી: થ્રી-વ્હીલર વાહનોનું વેચાણ ગયા વર્ષની સરખામણીમાં બમણા (106%) થી પણ વધુ થઈ ગયું છે. સાથે જ, વિદેશોમાં થતી નિકાસમાં પણ 35% ની મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે.
TVS ના શેરે એક વર્ષમાં 60% રિટર્ન આપ્યું
પરિણામો પછી TVS મોટર્સનો શેર આજે (બુધવાર, 28 જાન્યુઆરી) 4.68% વધીને 3,735 રૂપિયા પર બંધ થયો. કંપનીનો શેર છેલ્લા એક મહિનામાં 4.50% વધ્યો છે. જ્યારે, છેલ્લા 6 મહિનામાં તે 33.45% વધ્યો અને એક વર્ષમાં 20% વધ્યો છે. કંપનીનું માર્કેટ-કેપ 1.77 લાખ કરોડ રૂપિયા છે.