રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે આવેલી ડી.બી. પટેલ કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરી ચૂકેલી વિદ્યાર્થિનીને ભાજપના આગેવાન અને કલરકામના કોન્ટ્રેક્ટરે પ્રેમજાળમાં ફસાવી શૈક્ષણિક ધામમાં જ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં ટ્રસ્ટીને જાણ થતાં આવાં કૃત્ય અટકાવવાને બદલે વિદ્યાર્થિની પર તેણે પણ કુકર્મ આચર્યાની જિલ્લા પોલીસવડા સમક્ષ અરજી થતાં પોલીસે ભાજપના જ બે આગેવાન સામે ગુનો નોંધાવ્યો હતો. ગુનો નોંધાતા જ બંને આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. હાલ બન્ને આરોપીઓએ રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી છે. જેની સુનાવણી આગામી 5 ઓગસ્ટના રોજ કરવામાં આવશે.
રાજકોટના આટકોટ નજીક આવેલા ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જસદણના પાંચવડા ગામના ભાજપના આગેવાન મધુ ટાઢાણી અને ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ ભાજપના આગેવાન પરેશ રાદડિયાનું નામ આપ્યું છે. પીડિતાએ જણાવ્યું હતું કે, તેણે 5 વર્ષ પહેલાં ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટની પ્રતીક્ષા વિદ્યા સંકુલમાં એડમિશન લીધું હતું અને ત્યારથી કન્યા છાત્રાલયમાં રહી અભ્યાસ કરતી હતી.