ઓવરટેઇકના મુદ્દે હુમલો કરી ટ્રકચાલકનો હાથ ભાંગી નાખ્યો

રાજકોટ અમદાવાદ હાઇવે પર બેટી રામપરા નજીક રાજુલાના ટ્રકચાલક પર કોઇ અજાણ્યા ટ્રકના ચાલકે ઓવરટેઇકના મુદ્દે લાકડાના ધોકાથી હુમલો કરી ટ્રકચાલક યુવકનો હાથ ભાંગી નાખ્યો હતો, ધમાલમાં ટ્રકચાલકનું રૂ.27 હજારની મતાનું પર્સ પડી ગયું હતું તે પણ હુમલાખોર લઇ ગયાની શંકા સેવાઇ રહી છે.

રાજુલામાં રહેતા અને ગુરૂકૃપા ટ્રાન્સપોર્ટમાં ટ્રક ચલાવતા ગુલફશન મકબુલ અહેમદ (ઉ.વ.35)એ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જીજે 26 એક્સ 5014 નંબરના આઇસર ચાલક હોવાનું કહ્યું હતું. ગુલફશને કહ્યું હતું કે, પોતે તા.14ના ગોંડલની સિમેન્ટ ફેક્ટરીથી પાઉડર ભરી અમદાવાદ જવા નીકળ્યો હતો અને રાત્રે 8.30 વાગ્યે રાજકોટ અમદાવાદ હાઇવે પર બેટી રામપરા પાસે પહોંચ્યો હતો ત્યારે પાછળ આવી રહેલો આઇસરનો ચાલક જોરથી હોર્ન વગાડી રહ્યો હતો અને તેણે આગળ ટ્રક ઉભો રખાવ્યો હતો, આઇસરમાંથી ધોકા સાથે નીચે ઉતરેલા શખ્સે ટ્રકચાલક ગુલફશન પર ધોકાથી હુમલો કર્યો હતો, હિચકારો હુમલો થતાં ગુલફશન નીચે પટકાયો હતો છતાં તેના પર ધોકાના ઘા ચાલુ રાખ્યા હતા, ગુલફશન પોતાના ખિસ્સામાંથી મોબાઇલ કાઢી રહ્યો હતો ત્યારે ખિસ્સામાંથી રૂ.27 હજારની રોકડ ભરેલું પર્સ પણ પડી ગયું હતું. દરમિયાન એક ડમ્પર ચાલક આવ્યો હતો અને તેણે ગુલફશનને બચાવ્યો હતો, નાસી છુટેલા હુમલાખોર આઇસર ચાલક પર્સ લઇ ગયાની પણ ટ્રકચાલક યુવકને શંકા છે. પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *