જામનગર રોડ પર ગાયત્રીધામ સોસાયટીમાં મહાદેવના મંદિરમાંથી દાનપેટીની ચોરી થયાના બનાવમાં ગાંધીગ્રામ પોલીસે નિવૃત્ત પોલીસમેનના નામચીન પુત્ર સહિત ત્રિપુટીને પકડી લઇ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. એમપીના નામચીન શખ્સે મિત્ર નિવૃત્ત પોલીસમેનના પુત્ર સહિત બેલડી પાસે રેકી કરાવી ત્રિપુટીએ દાનપેટી ઉઠાવી હોવાનું બહાર આવતા આરોપીની ધરપકડ કરી વધુ ચોરીના ભેદ ઉકેલવા વધુ પૂછતાછ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જામનગર રોડ મંદિરમાંથી દાનપેટીની ચોરી કરનાર તસ્કરો શિતલ પાર્ક પાસે એરપોર્ટની દીવાલ પાસે રિક્ષામાં આવ્યા હોવાની માહિતીને આધારે પીઆઇ મેધાણી સહિતે ત્રણ શંકાસ્પદ શખ્સને અટકાવી તેની પૂછતાછ કરતા ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતો વિવેક વિરેન્દ્રસિંઘ ચૌહાણ, જામનગર રોડ પર મોચીનગરમાં રહેતો ઇકબાલ મહમદ અલી મકરાણી અને પરસાણાનગરમાં રહેતો હમીર અલીભાઇ જુણેજા હોવાનું જણાવતા પોલીસે તેની અટકાયત કરી પૂછતાછ કરી હતી.
પોલીસની પૂછતાછમાં વિવેકએ નિવૃત્ત પોલીસમેનનો પુત્ર ઇકબાલને મંદિર બહાર રાખી મંદિરમાંથી દાનપેટી લઇ આવી રિક્ષાચાલક હમીરની રિક્ષામાં નાસી જઇ અન્ય સ્થળે જઇ દાનપેટી તોડી ત્રણેય શખ્સોએ ભાગ પાડી છૂટા પડ્યા હોવાનું રટણ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ કરતા વિવેક સામે અગાઉ પ્ર.નગર,ગાંધીગ્રામ, એ-ડિવિઝન, થોરાળા પોલીસમાં ચોરી સહિતના સાત ગુના નોંધાયા હોવાનું,જ્યારે ઇકબાલ સામે અગાઉ હથિયાર, હત્યાનો પ્રયાસ સહિતના ગુના નોંધાયા હોવાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.