વડોદરામાં દિન-પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. ટ્રાફિકની સમસ્યાને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ઈમરજન્સી સેવાઓ પર પણ અસર પડે છે ત્યારે શહેરમાં ટ્રાફિકની સમસ્યા અંગે જાણવાનો પ્રયાસ કર્યો. ટ્રાફિક સમસ્યા પાછળ ક્યા-ક્યા કારણો જવાબદાર છે અને તેના નિવારણ માટે શું-શું કરી શકાય તે અંગે ટ્રાફિક નિષ્ણાત અને શહેર ટ્રાફિક DCP સાથે ખાસ વાતચીત કરી હતી.
ટ્રાફિકની સમસ્યા ધરાવતા હોટસ્પોટ વિસ્તારો
વડોદરામાં સૌથી વધુ ટ્રાફિકનું ભારણ શહેરના સરદાર એસ્ટેટ, પાણીગેટ, માંડવી, ચાર દરવાજા વિસ્તાર, દાંડિયાબજાર, રાવપુરા, નવાબજાર, એરપોર્ટ સર્કલ, વૃંદાવન ચાર રસ્તા, પંડ્યા બ્રિજ, અક્ષર ચોક જેવા વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે તો બીજી તરફ શહેરના પશ્ચિમી વિસ્તારમાં અટલ બ્રિજ બાદ ટ્રાફિકનું ભારણ ઓછું થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે.
શહેરમાં હાલ ટ્રાફિકની સમસ્યા ઉદ્દભવવા પાછળ બે કારણો સામે આવી રહ્યા છે એક તો આડેધડ પાર્કિંગ અને બીજુ વાહનોની સંખ્યામાં વધારો. વધતા વાહનોનો આંકડો જાણવા અમે શહેર RTO કચેરીનો સંપર્ક કર્યો કે, શહેરમાં કેટલા વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે? ત્યારે RTO દ્વારા મળેલ માહિતી મુજબ વડોદરામાં ટુ-વ્હીલર વાહનોની સંખ્યા 11,87,231 છે. LMV વાહનોની સંખ્યા 3,26,435 છે. જ્યારે થ્રી-વ્હીલર ( પેસેન્જર) વાહનોની સંખ્યા 47,033 છે અને થ્રી-વ્હીલર (વુડ્સ) વાહનોની સંખ્યા 14,196 છે એટલે કે શહેરમાં થ્રી-વ્હીલર પેસેન્જર રીક્ષાઓની સંખ્યા 50 હજારને પાર છે. આ સિવાય શહેરમાં ટેક્સીની સંખ્યા 5,346 છે. શહેરની વસ્તી હાલ 20 લાખને પાર પહોંચી છે છતાં સીટી બસ સેવા માટે માત્ર 135 બસ કાર્યરત છે એટલે કહી શકાય કે શહેરમાં જો ટ્રાન્સપોર્ટેશન માટે બસ સુવિધામાં વધારો થાય તો ચોક્કસ ટ્રાફિક સમસ્યાને હળવી કરી શકાય છે.