રાજકોટનાં હૃદયસમાન ડો. યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકના નવા નાલાનું કામ યાજ્ઞિક રોડને ક્રોસ કરાવવા હાલ આ મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો છે. હવે આ વર્ષે વહેલા ચોમાસાની આગાહી છે અને કામ ગોકળ ગતિએ ચાલે છે. જેને લઈને વેપારીઓને મોટી નુકસાન સહિતનો ત્રાસ ભોગવવો પડી રહ્યો છે. બીજી તરફ જાગનાથ વિસ્તારમાં ચારે તરફ ખોદકામ થતું હોય, રહેવાસીઓ પણ હેરાન છે. વેપારીઓને કનડતા આ પ્રશ્ન અંગે અગાઉ વિપક્ષે પણ રજુઆત કરી હતી.
શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે, રાજકોટના મુખ્ય રસ્તાઓમાંનો એક ડો. યાજ્ઞિક રોડ પર હાલ સર્વેશ્વર ચોક પાસે નાલાનું કામ મહાનગરપાલિકા દ્વારા ચાલી રહ્યું છે. આ કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે. કોર્પો. અને કોન્ટ્રાક્ટરની આંતરિક ખટપટ અને યોગ્ય સંકલનના અભાવે હાલ વેપારીઓનો ખો નીકળી રહ્યો છે. આ કામ 12 માસમાં પૂર્ણ કરવાનું હતું પરંતુ હાલ આગામી 12 માસમાં કામ પૂર્ણ થાય તેમ જણાતું નથી. ચોમાસુ નજીક આવી જતા ભારે હાલાકી અને ચોમાસામા પાણીના જળ પ્રવાહમાં સમગ્ર વિસ્તાર જળબંબાકાર થવાની પુરી સંભાવના છે વેપારીઓને પણ મહાનગરપાલિકાની ઢીલી નીતિ ને કારણે ભોગવવાનો વારો આવ્યો છે અને કામ વિલંબ થતા ભારે આર્થિક નુકસાની વેઠવી પડે તેમ છે.