રાજકોટના વેપારીએ શેરમાર્કેટમાં ઉંચા વળતરની લાલચે રૂ.96.96 લાખ ગુમાવ્યા હતા. આકર્ષક વળતરની રિલ્સ જોઇ તેનાથી આકર્ષાયા હતા.રાજકોટના જૂના એરપોર્ટ રોડ પરના રોયલ ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં રહેતા અને નવાગામમાં અતુલ એન્ટરપ્રાઇઝ નામે ઓટો પાર્ટસનું વેરહાઉસ ચલાવતા કૃણાલ જયંતિભાઇ ચાંદ્રા (ઉ.વ.40)એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં અલગ અલગ બેંક એકાઉન્ટ ધરાવતા ત્રણ બેંક એકાઉન્ટ ધારક હોવાનું કહ્યું હતું.
કૃણાલ ચાંદ્રાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.27 નવેમ્બરના પોતે પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ બાબતેની રિલ્સ જોઇ રહ્યા હતા ત્યારે એક ઇવેન્ટ કંપનીની જાહેરાત જોઇ હતી તેમાં આપેલી લીંક પર ક્લીક કરતાં તેની વેબસાઇટ ખુલી ગઇ હતી. ત્યારબાદ એક નંબર પરથી કૃણાલ ચાંદ્રાને ફોન આવ્યો હતો અને ફોન કરનારે ઉપરોક્ત વેબસાઇટમાં રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કહેતા કૃણાલ ચાંદ્રાએ રૂ.20 હજારથી શરૂઆત કરી હતી, ત્યાર પછી ટિપ્સ આપી વધુ રોકાણ કરવાથી સારો પ્રોફિટ થશે તેમ જણાવવામાં આવ્યું હતું.
ત્યારબાદ કૃણાલ ચાંદ્રાએ વેબસાઇટના સર્વિસ ઓપ્શનમાં ક્લીક કરતા એક લીંક ખુલી હતી જેમાં એક મોબાઇલ નંબર હતો, તેમાં રૂપિયા ડિપોઝિટ કરવા માટેના વ્હોટસએપ મેસેજથી બેંકની માહિતી આપવામાં આવતી હતી, જે એકાઉન્ટમાં કૃણાલ ચાંદ્રા ઓનલાઇન આરટીજીએસના માધ્યમથી રકમ જમા કરાવતા હતા, થોડા ટ્રેડિંગ બાદ કૃણાલ ચાંદ્રાને તેના વેબસાઇટ પરના એકાઉન્ટમાં સારો નફો દર્શાવતા હતા, કૃણાલભાઇએ પ્રથમ વખત રૂ.3 હજાર વિડ્રો કરતા તે રકમ તે મેળવી શક્યા હતા જેથી તેને વિશ્વાસ બેઠો હતો જેથી તેમણે મોટી રકમનું રોકાણ શરૂ કર્યુ હતું અને ત્યારબાદ તેમણે રકમ વિડ્રો કરવાની કોશિશ કરી તો અલગ અલગ ચાર્જના નામે તેમની પાસે પૈસા જમા કરાવ્યા હતા અને કુલ રૂ.96,96,740 જમા કરાવવા છતાં તેમને રકમ પરત મળી નહોતી, પોતાની સાથે સાયબર ફ્રોડ થયાનું સ્પષ્ટ થતાં અંતે પોલીસનું શરણું લીધું હતું, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દીપક પંડિતે કૃણાલ ચાંદ્રાની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો, પીઆઇ બીબી જાડેજાએ વિશેષ તપાસ શરૂ કરી હતી.