ટીઆરપી અગ્નિકાંડની ઘટના અને ત્યારબાદ સાગઠિયાની ભ્રષ્ટાચારની લીલા જાહેર થતા રંગીલા રાજકોટની ઇમેજને દાગ લાગ્યો છે તેની અસર રાજકોટ મહાનગરપાલિકાની ભરતીમાં સીધી જોવા મળી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટાઉન પ્લાનરની ક્લાસ-1 સહિત જુદા-જુદા ચાર વિભાગમાં અધિકારીઓની ભરતી માટે આગામી તા.2જી માર્ચના રોજ અમદાવાદ ખાતે રાખવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા અમદાવાદ ખાતે ટાઉન પ્લાનર ઉપરાંત મેનેજર, વોર્ડ ઓફિસર અને ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટની પરીક્ષા લેવાશે.
ભૂતકાળમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત થતાની સાથે જ દરેક પોસ્ટ માટે હજારો ઉમેદવારો અરજી કરતા હતા. જ્યારે મહાનગરપાલિકાના અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત ભરતીને નબળો પ્રતિસાદ મળ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. મહાનગરપાલિકા દ્વારા ટાઉન પ્લાનરની 3, મેનેજર(ઇનહાઉસ)ની 9, વોર્ડ ઓફિસર(ઇનહાઉસ)ની 5 અને ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ (ઇનહાઉસ)ની 11 ખાલી જગ્યા મળી કુલ 28 ખાલી જગ્યા ભરવા માટે જાહેરાત આપવામાં આવી હતી. આ ચારેય મહત્ત્વની કેડર પર ભરતી થવા માટે ઉમેદવારોએ ઓછો ઉત્સાહ દેખાડ્યો હોય તેમ માત્ર 669 ઉમેદવારો નોંધાયા છે.
ઉમેદવારોની 2જી માર્ચના રોજ અમદાવાદ ખાતે અલગ-અલગ પરીક્ષા લેવાશે. ઉમેદવારોએ લેખિત પરીક્ષાના કોલ લેટર 24-2ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પરથી ડાઉનલોડ કરવાના રહેશે.