ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (“ટોરેન્ટ”) અને વૈશ્વિક રોકાણ કંપની કે.કે.આર. એ સંયુક્ત રીતે આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે ટોરેન્ટે કે.કે.આર. પાસેથી જે.બી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ (“જે.બી. ફાર્મા”)માં નિયંત્રણાત્મક હિસ્સો ઇક્વિટી મૂલ્યાંકન પર (સંપૂર્ણપણે ડાયલ્યુટેડ ધોરણે) હસ્તગત કરવા માટે રૂપિયા 25689 કરોડના કરાર કર્યા છે. જેના પગલે આ બન્ને કંપનીનું વિલીનીકરણ થશે. આ કરાર ટોરેન્ટની ભવિષ્ય માટે તૈયાર, વૈવિધ્યસભર હેલ્થકેર પ્લેટફોર્મ બનાવવાની મહત્વાકાંક્ષાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે ઊભરતી આંતરરાષ્ટ્રીય સી.ડી.એમ.ઓ. ક્ષમતાઓ સાથે ઊંડા ક્રોનિક સેગમેન્ટ વારસાને જોડે છે.
શેર ખરીદી કરાર (“એસ.પી.એ.”) દ્વારા 11917 કરોડ રૂપિયા (1600 રૂપિયા પ્રતિ શેર)ના ભાવે 46.39% ઇક્વિટી હિસ્સો (સંપૂર્ણ રીતે ડાયલ્યુટેડ ધોરણે) પ્રાપ્ત કરવામાં આવશે, ત્યારબાદ જાહેર શેરધારકો પાસેથી જે.બી. ફાર્માના 26% સુધીના શેર ખરીદવા માટે ફરજિયાત ખુલ્લી ઓફર દ્વારા રૂપિયા 1639.18 પ્રતિ શેરના ભાવે ખરીદવામાં આવશે. આ ઉપરાંત, ટોરેન્ટે કે.કે.આર. જેટલા જ ભાવે જે.બી. ફાર્માના ચોક્કસ કર્મચારીઓ પાસેથી 2.80% સુધીના ઇક્વિટી શેર ખરીદવાની ઈચ્છા શક્તિ ધરાવે છે.
વ્યવસ્થાના ભાગરૂપે ટોરેન્ટ અને જે.બી. ફાર્માનું વિલીનીકરણ થશે. બંને કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા આપવામાં આવેલી મંજૂરી મુજબ, જે.બી. ફાર્માના ટોરેન્ટ સાથે વિલીનીકરણ બાદ, જે.બી. ફાર્મામાં 100 શેર ધરાવતા દરેક શેરધારકને ટોરેન્ટના 51 શેર મળશે.