શહેરના ભગવતીપરામાં રહેતા વૃદ્ધાએ એકલવાયા જીવનથી કંટાળીને ઘરે પંખા સાથે ચૂંદડી બાંધીને ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો છે. બનાવ અંગે બી-ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર, શહેરના ભગવતીપરામાં ઝમઝમ બેકરીની સામે રહેતા જશુબેન કાળુભાઈ રાઠોડ (ઉં.વ.79) નામના વૃદ્ધાએ પોતે પોતાના ઘરે એકલા હતા ત્યારે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો છે. બનાવ અંગે પાડોશી મહિલાને જાણ થતાં તેમણે દેકારો કરતાં સોસાયટીના લોકો એકઠા થયાં હતા.
ત્યારબાદ 108 ઇએમટીને જાણ કરતાં તબીબે વૃદ્ધાને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. વૃદ્ધાના મૃતદેહને 108 મારફતે સિવિલ હોસ્પિટલના પીએમ રૂમે ખસેડી બી-ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. વધુમાં બી-ડિવિઝનના પોલીસ મથકના પીએસઆઇ ડી.બી.ગાંધેએ જણાવ્યા મુજબ મૃતક જશુબેન ઘણા વર્ષોથી એકલવાયું જીવન જીવતા હતા.