શહેરના ઉપલાકાંઠા વિસ્તારના કુબલિયાપરામાં યુવતીને ભગાડી જવાના મુદ્દે પ્રેમીના નાનાભાઇ અને તેના માતા સહિત ત્રણ પર યુવતીના પિતા અને બે ભાઇએ તલવાર છરીથી હિચકારો હુમલો કર્યો હતો. ઘવાયેલા ત્રણેયને હોસ્પિટલમાં ખસેડાયા હતા.કુબલિયાપરામાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતાં રાહુલ ભરતભાઇ સોલંકી (ઉ.વ.26)એ થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કુબલિયાપરાના કિશોર ધીરૂ સોલંકી તથા તેના બે પુત્ર અનિલ અને રાજેશના નામ આપ્યા હતા.
રાહુલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેનો મોટો ભાઇ દિલીપ પાડોશમાં રહેતા કિશોર સોલંકીની પુત્રી પાયલને અગાઉ ચાર વખત ભગાડી ગયો હતો અને પરત આવતાં પાયલને તેના ઘરે મોકલી દેવામાં આવતી હતી. થોડા દિવસ પહેલાં દિલીપ ફરીથી પાયલને ભગાડી ગયો હતો અને આ વખતે પાયલના પિતા સહિતના પરિવારજનોએ કહ્યું હતું કે, આ વખતે પાયલને પાછી મૂકી જતા નહીં, દિલીપ અને પાયલ પરત આવતા પાયલને સાથે જ રાખી હતી. દરમિયાન ગત તા.26ના રાહુલ અને તેના પરિવારજનો ઘરે હતા ત્યારે પાયલના પિતા કિશોર અને તેના બે ભાઇ અનિલ તથા રાજેશ ત્યાં ધસી ગયા હતા.
કિશોરના હાથમાં તલવાર હતી અને તેના બંને પુત્રના હાથમાં છરી હતી. ત્રણેય શખ્સ રાહુલ પર તલવાર, છરીથી તૂટી પડ્યા હતા. હુમલો થતાં રાહુલ લોહિયાળ હાલતમાં ઢળી પડ્યો હતો. તેને બચાવવા દોડેલા તેના માતા જશુબેન ઉર્ફે શારદાબેન અને તેના ભાભુ વજીબેન વચ્ચે પડતાં તે બંને મહિલાને પણ તલવાર, છરીના ઘા ઝીંકાયા હતા. ઘટનાને પગલે લોકો એકઠા થઇ જતાં ત્રણેય હુમલાખોર નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા રાહુલ, તેના માતા જશુબેન અને ભાભુ વજીબેનને હોસ્પિટલમાં ખસેડાયા હતા. રાહુલે ફરિયાદમાં એમ પણ જણાવ્યું હતું કે, ગંજીવાડામાં તેના ભાઇ દિલીપ પર પાયલના ભાઇ અનિલે અગાઉ હુમલો કર્યો હતો.