રૈયાની વિવાદિત જમીન વેચવાનું કહી ત્રણ સગી બહેને 1.20 કરોડ મેળવી ઠગાઇ કરી

યુનિવર્સિટી રોડ પરના શિલ્પન આઇકોનમાં રહેતા બિલ્ડર હર્ષ દિલીપભાઇ વિરોજા (ઉ.વ.28)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં અારોપી તરીકે રૈયા ગામ ચોરા પાસે રહેતા હીરાબા દિલીપસિંહ ચાવડા, હીનાબા વિરેન્દ્રસિંહ ઝાલા તથા મનિષાબા દિગ્વિજયસિંહ પરમારના નામ આપ્યા હતા.

હર્ષ વિરોજાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલાં દલાલ મારફતે નાસીર વિકયાણીનો સંપર્ક થયો હતો અને તેણે રૈયામાં હીરાબા દિલીપસિંહ ચાવડા, હીનાબા દિલીપસિંહ ચાવડા અને મનિષાબા દિલીપસિંહ ચાવડાના સંયુક્ત ભોગવટા અને માલિકીની જમીન આવેલી છે અને તે વેચવાની છે તેવી વાત કરી હતી.

બાદમાં નાસીર વિકયાણી મારફત બિલ્ડર હર્ષ વિરોજા હીરાબાને મળ્યા હતા અને રૂ.7,77,60,000માં સોદો નક્કી કર્યો હતો અને જમીન વેચાણ અંગે બે અખબારમાં જાહેર ખબર આપી હતી. જાહેર ખબરનો એક મહિનો વીતી જતાં અને કોઇ વાંધો નહીં આવતાં જમીનના સાટાખત નાસીરના નામે હોવાથી નાસીરને રોકડા રૂ.1.30 કરોડ આપ્યા હતા અને ત્રણેય બહેનોને ચેકથી 1.20 કરોડ ચૂકવ્યા હતા અને તે ત્રણેય બહેને બેંકમાંથી તે રકમ ઉપાડી લીધી હતી. મહત્તમ રકમ ચૂકવાઇ જતાં હર્ષ વિરોજાએ દસ્તાવેજ કરવા જવાનું કહેતા ત્રણેય બહેનો બહાના કાઢવા લાગ્યા હતા અને હર્ષ વિરોજાને શંકા જતાં તેણે તપાસ કરતાં આ જમીન પર કોર્ટમાં વિવાદ ચાલતો હોવાનું અને વજેસંગ ડાંગર તથા ચાર વ્યક્તિને વેચાણ આપવા કરાર થયાનું પણ જાણવા મળતાં હર્ષ વિરોજાએ આ અંગે નાસીર તથા ત્રણેય બહેનોનો સંપર્ક કર્યો હતો. નાસીરે રૂ.1.30 કરોડ પરત આપી દીધા હતા જોકે ત્રણેય બહેને રૂ.1.20 કરોડ પરત આપ્યા નહોતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *