રાજકોટના શ્રોફરોડ પર ગવર્નમેન્ટ કવાર્ટરમાં રહેતા 32 વર્ષીય પ્રિયંકાબા વિક્રમસિંહ જાડેજાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જીગર નરેન્દ્ર અનડકટ અને તેની પત્ની જીજ્ઞાબેનનું નામ આપતા પ્રદ્યુમનનગર પોલીસે IPC 323, 332 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ બહુમાળી ભવનમાં આવેલા સંયુક્ત રાજય વેરા કમિશનરની કચેરીમાં રાજ્યવેરા અધિકારી તરીકે નવ માસથી ફરજ બજાવે છે અને હાલ તે ગર્ભવતી પણ છે.
તેઓ અગાઉ નાયબ રાજ્ય વેરા કમિશનર વિભાગ-10માં ફરજ બજાવતા હતા, ત્યારે તેઓના અધિકારીની સૂચનાથી સ્ટાફના જીએસટી ઈન્સ્પેકટર આરતીબેન, નયનાબેન તેમજ સિનિયર કલાર્ક સાથે અમીનમાર્ગ, ગુજરાત હાઉસીંગ બોર્ડ નજીક જય એન્ટરપ્રાઇઝ નામની મોબાઈલની દુકાન ધરાવતા જીગર અનડકટની દુકાનમાં જીએસટી નંબર ન હોય અને ત્યાં જીએસટી ચોરીને લગતી તપાસમાં ગયા હતા. તપાસ તારીખ 17મી ઓક્ટોબર 2023થી 20મી ઓક્ટોબર 2023 સુધી ચાલી હતી. આ દરમિયાન તપાસની કાર્યવાહીમાં માલસામાનના સ્ટોકનો તફાવત મળ્યો હતો તેમજ દુકાનમાંથી રિટેલમાં કરેલ મોબાઈલના વેચાણનો કોઈ હિસાબ ચોપડે દર્શાવેલ ન હતો. આમ તપાસ દરમિયાન 14.95 લાખની કરચોરી ધ્યાને આવી હતી.
જીગર અનડકટે જણાવ્યું કે, પોતાની આર્થિક પરીસ્થિતિ નબળી હોય જેથી પોતે કરચોરીની રકમ હપ્તે હપ્તે ભરી આપશે જેવી બાંહેધરી આપી હતી. તેમના દ્વારા 4.95 લાખ વેરો તેમજ દંડ જીએસટી વિભાગમાં 23મી ઓક્ટોબર 2023ના ભરપાઈ કરવામાં આવ્યા તેમજ બાકીની રકમ ભરપાઈ કરવામાં આવતી ન હોય જેથી તેમને રકમ ભરવા માટે કહેતા તેણે કહ્યું કે, હું ભરપાઈ કરી આપીશ. બાદમાં ફરિયાદીની બદલી રાજ્ય વેરા કમિશનર કચેરીમાં વિભાગ-1માં થઈ હતી.
6 મહિના પહેલા તેઓ ઓફિસે હાજર હતા, ત્યારે જીગર અનડકટનો ફોન આવ્યો અને કહ્યું કે, મારે GST ચોરીની રકમ ભરપાઈ કરવાની બાકી છે. તે શૂન્ય કરાવી આપો તેમ કહેતા તેણીએ જણાવ્યું કે, મારી બદલી બહુમાળી ભવન કચેરીમાં થઈ છે. તેથી તમે લાગુ પડતી કચેરી જિલ્લા સેવા સદન-3માં આવેલી નાયબ રાજ્યવેરા કચેરીમાં જવા માટે કહેતા આરોપીએ કહ્યું કે, રકમ શૂન્ય કરાવી આપો નહીતર તમને તકલીફ પડશે. બાદમાં ગઈ તા. 30મી એપ્રિલ 2024ના બપોરના સમયે તેણી ઓફિસમાં બેસ્યા હતા.