સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ફરી એક વખત વિવાદિત પરિપત્ર કરીને શિક્ષણ જગતમાં ચર્ચા જગાવી છે. BBAમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને MCOMમાં એડમિશન માટે 3 શરત મૂકવામાં આવી છે જેમાં આવા વિદ્યાર્થીઓનો ગુડ એકેડેમિક રેકોર્ડ ગણાશે નહીં, ભવિષ્યમાં જ્યાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન સળંગ ગણવાનું રહેતું હશે ત્યાં તેમનો નોકરી માટેનો હક્ક રહેશે નહીં તથા વિદ્યાર્થીઓ B.Ed. પાસ કરી વિદ્યાસહાયકની TET-TAT પરીક્ષામાં લાયક ગણી શકશે નહીં. જોકે આ પરિપત્રને શિક્ષણવિદ અને યુનિવર્સિટીના શિક્ષણ વિદ્યાશાખાના ડીન ડૉ. નિદત્ત બારોટે વિદ્યાર્થીઓ માટે નુકસાનકર્તા ગણાવ્યો છે. જેથી કુલપતિ દ્વારા આ પરિપત્ર પરત ખેંચવામાં આવે તેવી માંગ કરતી લેખિત રજૂઆત કરી છે.
ડૉ. બારોટે કુલપતિને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, આવી અગત્યની નીતિ વિષયક બાબત રાજ્ય સરકારે એક્ટ સ્ટેચ્યુટથી વિવિધ સત્તામંડળની રચના કરી તેમને સત્તા આપી છે. આ નિર્ણય બોર્ડ ઓફ ડીન્સ, એકેડેમિક કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મંજૂરી લેવાય તો તેના પર ચર્ચા થાય અને યોગ્ય નિર્ણય લેવાય. આપ આ પરિપત્રનો અમલ સ્થગિત કરી સક્ષમ સત્તામંડળમાં ચર્ચા અને મંજૂરી અર્થે મૂકો. આપની વિશેષ સત્તા અને બહાલી જ્યાં અનિવાર્ય હોય ત્યાં જ કરવી જોઈએ. એજ્યુકેશન ફેક્લ્ટીના ડીન ડો. બારોટે કરેલી રજૂઆત સામે કુલપતિ આગામી દિવસોમાં શું પગલાં લે છે? તે જોવું રહ્યું.