સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરતા સૌરાષ્ટ્રના લોકો માટે સતત મુસાફરીને લઈ ચર્ચાઓ સામે આવતી રહેતી હોય છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરતા યુપી બિહારવાસીઓ માટે ચર્ચા ખૂબ ઓછી થતી હોય છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતને પોતાની કર્મભૂમિ માનીને લાખોની સંખ્યામાં બિહાર-યુપીવાસીઓ અહીં રહે છે. જે લોકો દિવાળી-છઠ પૂજા કે અન્ય કોઈ તહેવાર, લગ્નસરા હોય ત્યારે અહીંથી વતન તરફ જતા હોય ત્યારે મુસાફરીમાં ભારે હાલાકીનો સામનો કરે છે. કારણ કે, લાખોની સંખ્યામાં મુસાફરો હોવા છતાં સુરતથી વારાણસી અને બિહાર તરફ જતી રોજની એકમાત્ર ટ્રેન છે. મુસાફરોની વધતી ભીડને લઈ વધુ ટ્રેનો ચાલુ કરવા માટે અગાઉ આંદોલન થઈ ચૂક્યું હતું, રેલવે અધિકારીઓએ મુશ્કેલીની વાત પણ સ્વીકારી હતી, પરંતુ હજુ સુધી આ મુસાફરો માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, અંતે મુસાફરો વધતા જાય છે અને સ્થિતિ ખરાબ થઈ જાય છે.
મળતી માહિતી અનુસાર સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 17 લાખ કરતા વધુ બિહાર અને યુપીવાસીઓ રહે છે. લાખોની સંખ્યામાં જનારા મુસાફરો હોવા છતાં પણ સુરતથી વારાણસી અને બિહાર તરફ જતી રોજની એકમાત્ર ટ્રેન છે. તાપ્તી ગંગા ટ્રેન અઠવાડિયામાં ત્રણ દિવસ વારાણસી અને ચાર દિવસ બિહાર જાય છે. આ સિવાય અન્ય વધુ કોઈ વિકલ્પ તેમની પાસે નથી. તાપ્તી ગંગા એક માત્ર ટ્રેન છે કે જે સુરત રેલવે સ્ટેશનને સૌથી વધુ આવક ઊભી કરી આપે છે. એક ટ્રેનમાં 1700 જેટલા મુસાફરોની ક્ષમતા પણ વિચારીએ તો સમજી શકાય છે કે, લાખોની સંખ્યામાં રહેતા યુપીવાસીઓ અને બિહારના મુસાફરો માટે ટ્રેનની વ્યવસ્થા કેવી રીતે પૂરતી થઈ શકે.