શહેરના પ્રાઇમ લોકેશન સમાન કેકેવી ચોક, નાનામવા ચોક સહિત 24 જેટલી સાઇટસના પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટ માટે કોન્ટ્રાક્ટર મળતા ન હોય મહાનગરપાલિકા દ્વારા ત્રીજી વખત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. બીજીબાજુ પાર્કિંગના ટેન્ડરો નહીં ભરવા કોન્ટ્રાક્ટરો વચ્ચે રિંગ થઇ ગયાની પણ ચર્ચા થઇ રહી છે.
મનપાના સૂત્રોએ જણાવ્યા અનુસાર શહેરમાં આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિક સમસ્યા વધતી જતી હોય પે એન્ડ પાર્કિંગ માટે અલગ-અલગ સાઇટસ નક્કી કરવામાં આવી છે. જેમાંથી 24 જેટલી સાઇટસ માટે હજુ સુધી એકપણ એજન્સી કે કોન્ટ્રાક્ટરે ટેન્ડર નહીં ભરતા ત્રીજી વખત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે.
જેમાં સેન્ટ્રલ ઝોનમાં જ્યુબિલી ચોક, હોસ્પિટલ ચોક બ્રિજ નીચે, મોચીબજાર કોર્ટ પેટ્રોલ પંપ પાસે, લાખાજીરાજ રોડ, રાષ્ટ્રીયશાળા પાસે, રેલવે ઓવરબ્રિજ પાસે, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, નહેરૂનગર 80 ફૂટ રોડ સહિતના સ્થળો તેમજ વેસ્ટ ઝોનમાં રામાપીર ચોકડીથી શીતલ પાર્ક જતા બ્રિજની નીચે, કેકેવી ચોક બિગબજાર સાઇટ બ્રિજ નીચે, નાનામવા ચોક બીગબજાર સાઇટ બ્રિજ નીચે, બાલાજી હોલ સાઇટ બ્રિજ નીચે, રૈયા સર્કલ, નાણાવટી ચોક ઇસ્ટ બાજુ, કેકેવી મલ્ટિલેવલ બ્રિજ જય સીયારામ ચા વાળા રોડ ઉપર, મવડી ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જતા રોડ પર બ્રિજ નીચે સહિત 24 સ્થળે પે એન્ડ પાર્કિંગ માટે ટેન્ડર પ્રક્રિયા કરાય છે.