વિધાનસભાના સત્ર દરમિયાન ગુરુવારે પ્રશ્નોત્તરી કાળમાં રાજકોટ જિલ્લામાં સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક શાળા કેટલી છે ? 31 જાન્યુઆરી-25ની સ્થિતિએ જિલ્લામાં કેટલી નવી સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક શાળાને મંજૂરી આપી તેવા પ્રશ્નના જવાબમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા હતા. સરકારી શાળા કરતા ખાનગી માધ્યમિક શાળાની સંખ્યા 10 ગણી વધારે હોવા મુદ્દે ચર્ચા થઇ હતી. રાજકોટ જિલ્લામાં 432 ખાનગી માધ્યમિક શાળાઓની સામે સરકારી શાળાઓ ફકત 43 છે. અર્થાત્ કે, સરકારી શાળાઓ કરતા 10 ગણી ખાનગી શાળાઓ છે. ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના પ્રશ્નના જવાબમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો.
આ અંગે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ માંગણી કરી હતી કે સરકારી શિક્ષણને એવી પ્રાથમિકતા આપવામાં આવે કે કરોડપતિના દીકરા-દીકરીઓ પણ સરકારી શાળાઓમાં ભણવા જાય એવું ગુણવત્તા સભર શિક્ષણ હોવું જોઈએ. મધ્યમ અને ગરીબ પરિવારના બાળકોને સરકારી શાળાઓની ઘટતી સંખ્યા, શિક્ષકોની ઘટ અને શિક્ષણની ખરાબ ગુણવતાના કારણે મજબૂરીમા ખાનગી શાળાઓમા પ્રવેશ લેવો પડે છે. આ મુદે વિરોધ કાર્યક્રમો કરવાના છે.