શહેરમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી રોકડ,મોબાઇલ સહિતની વસ્તુ કાઢી લઇ રસ્તામાં ઉતારી નાસી જતી ગેંગ બેકાબૂ બની હોય તેમ દેવપરામાં ભવાની ચોક પાસે આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા કોકીલાબેન દ્વારકાદાસ તેજુરા (ઉ.62) મંગળવારે બપોરે કુવાડવા રોડ પર રણછોડદાસબાપુના આશ્રમે આંખની તપાસ માટે ગયા હતા. ત્યાર બાદ ઘેર જવા માટે રિક્ષામાં બેઠા હતા જેમાં અગાઉથી એક મહિલા બેઠી હતી જેમાં થોડે દૂર ગયા બાદ મહિલાએ ધક્કામુક્કી કરી હતી. બાદમાં રિક્ષાચાલકે વૃદ્ધાને ઉતારી દીધા હતા. તપાસ કરતાં વૃદ્ધાનો ચેઇન અને રૂ.450ની રોકડ તેની પાસેની થેલીને કાપો મારી સેરવી લીધાની જાણ થતા તેને બી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરી હતી.
પોલીસે નાનામવા રોડ પર રહેતા રાકેશ સવજીભાઇ રાઠોડ અને કુબલિયાપરામાં રહેતી તેની સાસુ હંસા દિનેશભાઇ સોલંકીને ઉઠાવી લઇ તેની પૂછતાછ કરતાં તેને વૃદ્ધાને રિક્ષામાં બેસાડી ચોરી કર્યાની અને આ પહેલી જ ચોરી હોવાનું રટણ કરતાં પોલીસે બન્નેની ધરપકડ કરી હતી.