રાજકોટ નજીક કુવાડવા પોલીસ મથકની હદમાં હત્યાની ઘટના બની હતી. પોલીસે ભેદ ઉકેલી જેની હત્યા થઈ હતી તેના મોટાભાઈની જ ધરપકડ કરી હતી.
જામગઢ ગામે રહેતા અને ખેતીકામ કરતા મુકેશભાઇ વેલાભાઇ વાવડિયા (ઉ.33) તેની વાડીએ હતો ત્યારે મોડીરાત્રીના કોઇ અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હોવાની ફરિયાદ મુકેશભાઇના મોટાભાઇ વિનુભાઇએ કરી હતી જેમાં કુવાડવા પોલીસે હત્યા સહિતનો ગુનો નોંધી આરોપીઓને પકડી લેવા કાર્યવાહી કરી હતી. પોલીસની તપાસમાં ચાર ભાઇમાં નાનો મુકેશ રાત્રે જમીને વાડીએ સુવા જતો હોય સવારે વિનુભાઇ વાડીએ જતા તેનો ભાઇ મુકેશ લોહીલુહાણ હાલતમાં પડયો હોય જેથી તેને જાણ કરતા 108ની ટીમે પહોંચી યુવકને મૃત જાહેર કર્યો હતો. બનાવને પગલે કુવાડવા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં ક્રાઇમબ્રાંચ,એલસીબી સહિતની ટીમે લોકોની પૂછતાછ કરી હતી.
દરમિયાન મુકેશને તેના મોટાભાઇ સાથે ડખો ચાલતો હોવાની માહિતીને આધારે ક્રાઇમબ્રાંચના પીઆઇ ડામોર સહિતના સ્ટાફે મૃતક મુકેશનો ભાઇ વિનુને સંકજામાં લઇ તેની આકરી પૂછતાછ કરતા મૃતક મુકેશને દારૂ પીવાની કુટેવ હોય અને અવારનવાર દારૂ પી માતા-પિતાને મારકૂટ કરતો હોય અને જમીન વેચવા દેતો ન હોય જે બાબતે વાડીએ સુવા જતા મુકેશને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી પરત ઘેર આવી સુઇ ગયો હતો અને સવારે વાડીએ જઇને તેના પર કોઇ શક ન કરે તે માટે તેના ફોનમાંથી ફોન કરી પોલીસને જાણ કરી હોવાનું રટણ કરતા પોલીસે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી છે.