મવડીની પ્રિયદર્શીની સોસાયટીમાં મહિલાએ ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો. મહિલા કેટલાક દિવસથી મરી જવાનું રટણ રટતી હતી અને અંતે ફાંસો ખાઇ લીધો હતો. મવડીના 40 ફુટ રોડ પરની પ્રિયદર્શીની સોસાયટીમાં રહેતા રંજનબેન વિનોદભાઇ સરવૈયા (ઉ.વ.45)એ મંગળવારે વહેલી સવારે પોતાના ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસની ટીમ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. વિનોદભાઇ સરવૈયા સુથારીકામ કરે છે. રંજનબેનના આપઘાતથી તેના એક પુત્ર અને એક પુત્રીએ માતાની હૂંફ ગુમાવી હતી.