રાજકોટ શહેરને પાણી પૂરું પાડતા આજી-1 અને ન્યારી-1 ડેમમાં નર્મદાના નીર ઠાલવવા મહાનગરપાલિકાએ રાજ્ય સરકારના સિંચાઇ વિભાગ પાસે માગણી કરી હતી. જેના અનુસંધાને રાજકોટના આજી-1 ડેમમાં નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કરી દેવાયું છે અને આગામી 10થી 15 દિવસમાં 250 એમસીએફટી પાણી ઠાલવવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. આજી-1માં નર્મદાના નીર ઠાલવવાની કામગીરી પૂર્ણ થયા બાદ ન્યારી-1માં પણ 250 એમસીએફટી પાણી ઠાલવવાનું આયોજન કરાયું છે.
રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્કસ શાખાના એન્જિનિયર દેથરિયાએ જણાવ્યું હતું કે, આજી-1માં હાલ 23.29 ફૂટ એટલે કે 567 એમસીએફટી પાણીનો જથ્થો છે. આજી-1 અને ન્યારી-1માં 31 જુલાઇ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઠાલવવા મનપાએ આગોતરું આયોજન કર્યું છે. જેના ભાગરૂપે સૌની યોજનાનું 2500 એમસીએફટીમાંથી 800 એમસીએફટી પાણી ઉપાડવાનું બાકી હોય મે માસના અંતમાં તે ફાળવવા સિંચાઇ યોજનાને પત્ર લખીને માગણી કરવામાં આવી હતી.
જેના ભાગરૂપે આજી-1માં નર્મદાના નીર ઠાલવવાનું સિંચાઇ વિભાગે શરૂ કર્યું છે. આજી-1માં 250 એમસીએફટી પાણી ઠાલવવાનું હોય આ કામગીરી 10થી 15 દિવસમાં પૂર્ણ થશે. ત્યારબાદ ન્યારી-1માં નર્મદાના નીર ઠાલવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના સિંચાઇ વિભાગને અગાઉ આજી-1 ડેમ માટે 1800 એમસીએફટી પાણી અને ન્યારી-1 માટે 772 એમસીએફટી પાણીની માગણી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. જેમાંથી અત્યાર સુધીમાં આજી-1 અને ન્યારી-1માં 1608 એમસીએફટી પાણી ઠાલવવામાં આવ્યું છે. હાલમાં ન્યારી-1માં 19 ફૂટ એટલે 715 એમસીએફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આજી બાદ ન્યારીમાં પણ પાણી ઠાલવવામાં આવશે.