રાજકોટ મહાનગર પાલિકાના તત્કાલીન ટીપીઓ અને TRP ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાની ઓફિસ ખાતે સીલ ખોલી સર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં 15 કરોડ રૂપિયાનું 22 કિલો સોનું, 2 લાખ રૂપિયાની અઢી કિલો ચાંદી, 8.50 લાખની ડાયમંડ જ્વેલરી, 3,05,33,500 રોકડ રકમ, જુદા જુદા દેશોની ચલણી નોટો જેની ભારતીય કિંમત 1,82,000 રૂપિયા, સોનાના પટ્ટાવાળી 2 ઘડિયાળ તથા અન્ય 6 કિંમતી ઘડિયાળ કિંમત આશરે 1,03,100 રૂપિયા થાય છે. આ તમામ વસ્તુઓ કબ્જે કરવામાં આવી છે.
રાજકોટ અપ્રમાણસર મિલકતના ગુનામાં મનપાના તત્કાલિન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાની એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એસીબીએ ગઈકાલે મનસુખ સાગઠિયાનો જેલમાંથી કબ્જો મેળવી તેની ઓફિસમાંથી ઝડતી કરી તપાસ દરમિયાન સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ સહિત કુલ રૂ.18 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મનસુખ સાગઠિયા વિરૂદ્ધ લાંચ રૂશ્વત વિરુધી બ્યુરો દ્વારા પ્રાથમિક તપાસ દરમિયાન 10.55 કરોડથી વધુની અપ્રમાણસર મિલકતનો ગુનો રાજકોટ શહેર એસીબી પોલીસ સ્ટેશન ખાતે ભ્ર.નિ.અધિ.1988 (સુધારા-2018)ની કલમ 13(1)(બી), 13(2) મુજબનો ગુનો તા.19.6.2024ના રોજ સરકાર તરફે દાખલ થયો હતો.