અમરેલી જિલ્લામાં રેલવેટ્રેક પર અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. થોડા દિવસો અગાઉ ટ્રેનની અડફેટે બે સિંહ આવ્યા હતા. ત્યારે આજે ગુડ્ઝ ટ્રેનની અડફેટે ભેંસનું ટોળું આવ્યું હતું. રેલવેટ્રેક પર અચાનક આવી ગયેલા ભેંસના ટોળા પર ટ્રેન ફરી વળી હતી. આ અકસ્માતમાં ટ્રેનમાં કપાઈ જવાથી 7 ભેંસનાં મોત થયાં છે, જ્યારે બે ભેંસને ઈજા પહોંચી છે.
રાજુલા તાલુકાના ભેરાઇ ઉંચેયા વચ્ચે ફાટક પરથી પીપાવાવ પોર્ટ આવતી ગુડ્સ ટ્રેન પસાર થઈ રહી હતી, એ વખતે ભેંસનું ટોળું ટ્રેક ઉપર આવી ચડતાં એકસાથે 9 ભેંસ ટ્રેનની હડફેટે આવી હતી, એમાંથી 7 ભેંસનાં ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યાં મોત થયાં હતાં, જ્યારે 2 ભેંસને ઈજા પહોંચી હતી.
આ અકસ્માતની ઘટના બનતાં ગુડ્સ ટ્રેન થોડીવાર માટે ઊભી રહી હતી. આ તમામ ભેંસ ભેરાઈ ગામની હતી. ભેરાઇ ગ્રામજનો મોટી સંખ્યામાં રેલવેટ્રેક ઉપર દોડી આવ્યાં હતાં. ઘટનાને લઈ રાજુલા રેન્જ વન વિભાગની ટીમો પણ દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. ગ્રામજનોએ ભેંસોનાં મોતને લઈ વળતર આપવા માટેની પણ માગ કરી હતી.